કવિ હોવું એટલે શું...??
ગયા રવિવારે, ઢસાથી સ્થળાંતર કરી હાલ સૂરત રહેતા આત્મિય મનોહર ત્રિવેદી લગ્નના એક માંગલિક પ્રસંગમાં મળી ગયા. ઘણા સમય બાદ અમે મળતા હતા, એટલે એકબીજાને કહેવા-પૂછવાનું પણ ઘણું હોય.
દરમ્યાન એમણે વસવસો કરતાં,' અશોક
જ્યારે, હું આશી આવતો ત્યારે, તું કહેતો મનુભાઈ ,આવ્યા જ છો તો,ચાલો રણું. રાજેન્દ્રગિરિ રાજી થશે.પણ તે વખત,ફરી આવું ત્યારે.. અને...આજે...તો...હવે.' એમ વસવસો કરીને રાજેન્દ્રગિરિ મહંત સાથેનાં પોતાનાં સંસ્મરણ,પોતે પુનઃ જોતા હોય તેમ મને
મને શેયર કરવા લાગ્યા.
અમારી સામે જ સ્ટેજ. મ્હૉયરામાં વરકન્યા.પાણિગ્રહણની વૈદિક વિધિના મંત્રોચ્ચાર હોલમાં ગૂંજે. હોલ આખો હકડેઠઠ... એમાં મિત્ર મનુભાઈએ ખોલેલા એમના સ્મરણ પટારાની વાત કાઢી. હવે થવું તો એવું જોઇતું હતું કે, અમે વરરાજાના પિતાના આત્મિય હોઇ વેવાઇ વરોટના રોલમાં રહીને,લગ્ન વિધીને રસપૂર્વક નીહળીએ. લગ્નને માણીએ. પણ, રાજેન્દ્રગિરિની યાદ અને વાતમાં મનોહરભાઇ મને સાંકળે.હવે મારા પક્ષે પણ થવું તો એવું જોઇએ કે,સામે ચાલતી લગ્નવિધિથી અલગ પડી, હું પણ મનોહરભાઇની વાતમાં તન્મય થાઉં.પરંતું હું પણ,મનોહર સાથે હોલમાં હોઇને, હોલમાં હતો...?? ના. ન હતો. અરે... હું હતો... અહીં થી માઇલો દૂર,બે દાયકા પૂર્વેની આવી જ એક લગ્નવિધીમાં. સામે જ લગ્નવિધીના મંત્રોચ્ચાર ગૂંજે. ફરક હતો તો એટલો કે, આજે, અહીં, સૂરત વરપક્ષે બેઠો છું. ત્યાં,ત્યારે કન્યાપક્ષે બેઠો હતો. કન્યા હરિતાના પિતા રાજેન્દ્રગિરિના અત્યાગ્રહથી ત્યારે એમની સાથે મને, વેવાઇ-વરોટ વચ્ચે બેસાડેલ.
કન્યાના મોટા બાપુના હસ્તે વિધી થાય. હાલ ચાલતી લગ્ન વિધી જેવી જ પવિત્રતા વાતાવરણમાં ચાલે.તે વખતે, પોતાને જાણે કશું યાદ આવ્યું હોય તેમ, રાજેન્દ્રગિરિ મારો હાથ પકડી,પોતે ય ઊભા થતાં,વેવાઈની રજા લેતાં,"અમે આવીએ જરા ..." એમ કહી ઉઠ્યા.જોડે જયેન્દ્ર ભટ્ટ અને પૂજાભાઇનેય લીધા.અમને તો એમ કે,લગ્ન કે,પછી મંદિરના અગત્યના કામ અંગે અમને સાથે લીધા છે.
બાપજી,અમને,એમના ઓરડામાં દોરી લાવ્યા.બહાર હકડેઠઠ મહેમાનો.પોતાની દીકરીના લગ્નની પવિત્ર-વિધીના મંત્રોચ્ચાર ચાલે.પરિસર ભર્યો ભર્યો.
અમારા મૌન પ્રશ્ર્નાર્થને,નર્યા વિસ્મયમાં પલટાવતાં, રાજેન્દ્રગિરિ મને કહે ; " બહાર મંત્રોચ્ચાર અહીં ગઝલોચ્ચાર....થવા દો,તમારી પેલી ગઝલ...
''અહીં જળ છે,જળમાં ઊતરવાનું પણ છે,
અને, સાવ કોરા નીકળવાનું પણ છે ."
ન માત્ર હું, પૂજાભાઇ, જયેન્દ્રભાઈ,અને કૈંક કૂતુહલથી અમારી પાછળ આવેલ એક બે સ્વજન સ્તબ્ધ. હું કિમ્ કર્તવ્યમૂઢ. હું હમણાં જ જાગ્યો હોય તેમ ચમકી, " ના. બાપજી ના." કહી નકારો કરવા ગયો પણ, અંદર-બહાર ભગવા રંગે રંગાયેલા મહંત સામે એક ન ચાલ્યું અમારૂ. કોઇની ય વ્યવહારકૂશળતા કામ ન આવી.પોતાની વાતના સમર્થનમાં ઉલટાનું એ, એમ કહેવા લાગ્યા કે," પેલા મંત્રોચ્ચાર જે કહે છે તેવું જો આ ગઝલ કહેતી હોય તો,ગઝલોચ્ચાર થવો ઘટે. અને તો જ સંપન્ન થશે લગ્ન. એટલી કસર અહીં પૂરી કરીએ. થવા દો ગઝલોચ્ચાર..."
મને તો એમ કે, એમનું મન રાખી, અમનુ માન રાખી, એમણે સૂચવેલી ગઝલનું પઠન કરી રાજી કરી લઉ. પણ આ શું...!?! એમણે તો ઓલી...ગઝલ,પેલી..ગઝલ...કરી કરી એમને પોતાને જ કંઠસ્થ એમને ગમતી ગઝલોને સર્જકમુખે અત્યાગ્રહપૂર્વક/ ભાવપૂર્વક સાંભળી.
દોસ્તો, ત્યારે ય...અને આજે ય મને એ હજી ય નથી સમજાયું કે,
પોતાની દીકરીના લગ્નમાં થતા મંત્રોચ્ચાર...જે એમને પોતાને એના અર્થ સંદર્ભ સહિત કંઠસ્થ, (વળી મહંતે પોતે તો, કાશી-બનારસ રહી પૂજન અર્ચન વિધિના સંસ્કૃત શ્ર્લોકો ભણીને પાત્રતા મેળવેલી )તેને, મારી ગઝલો સાથે કેમ બોલાવડાવી...??!! એમનું ધાર્યું કરાવીને
એમણે શું હાંસલ કર્યું ?? એ તો એ જાણે પણ...મને તો આયનો ધર્યો વિના બોલ્યે.
હા, દોસ્તો, મારી ગઝલ કે ન અન્ય કોઇની ગઝલ બાબતે હું કશા ભ્રમમાં નથી.એ સાધુ-ચરિત મહંતે તો મારા સહિત અન્ય સહુ કવિઓને એક ઊભી/ઊંચી રેખા દોરી આપી. તે વખતે એમને કૈં ન પૂછાયું. તે પછી ય એમણે આ વિશે ન કોઇ સંકેત.. ઇશારો...ય કર્યો. અને, આજે હવે જ્યારે એ સદેહે નથી ત્યારે...તો, એમણે અમને ધરેલો આયનો અને,પેલી ઊભી રેખા; વિક્રમના સિંહાસનની બત્રીસ પૂતળીઓની જેમ; " ઠેર." કહી..કોરા કાગળપર શબદ પાડતાં ટોકે છે. રોકે છે અને, કવિ હોવું એટલે શું...?તેનું, તથા કવિ હોવાની જવાબદારીનું ભાન કરાવેછે.
( આ ઘટનાના નાયક રાજેન્દ્રગિરિ અને સાક્ષી પૂજાભાઇ પટેલ તો હયાત નથી,પણ રાજેન્દ્રગિરિ મહંતના પરમ
સનેહી જયેન્દ્રભાઈ-ભૂમિપૂત્રના પ્રૂફરીડર - હજી આજે ય હયાત છે.)
(હા, કવિતા સર્જનના આરંભના તબક્કે મનહર રતિલાલ ત્રિવેદીને,મૂળ નામ કરતાં, મનોહર ત્રિવેદી નામ સારૂ રહેશે નું સહજ સૂચન જ્યારે મહંત રાજેન્દ્રગિરિએ કર્યું, ત્યારે એ સૂચનને મનુભાઈ એ કાયમી રાખી એમની યાદગીરીને પોતાના સર્જન સાથે સાંકળી.આદ્યપર્યંત ચાલુ રાખ્યુ.એ પણ એક જાતનો આદરભાવ જ ને...!! )
No comments:
Post a Comment