આજુબાજુમાં બનતી ઘટનાઓ ઘણું બધું શીખવે છે.પણ જીવન જીવતા શીખવે છે ,પગાર પડે કે બેંક નો એસ એમ એસ આવે!!થોડીવારે મારી કેબીન માં એક વર્કર મારી પરવાનગી લઇ ને પ્રવેશે.મેલો ઘેલો હોય.મહેનત ની સુગંધ હોય.ને પહેલું જ વાક્ય સાહેબ મારા પગારમાં ભૂલ છે ? હું પહેલા તો એને બેસાડું.પાણી આપું ને પછી પૂછું શું ખાઈશ ? ને એ વાત માંડે સાહેબ તારીખ 12મી એ કન્ટેનર હતું.મને મારા ફલાણા સાહેબે 2કલાક રોક્યો હતો -હું કહું હા તે ? એ બે કલાકના પૈસા નથી જમા થયા ? ને પછી હું વિચારું કે આખા મહિનાનો સેલેરી બરોબર છે એનો એને આનંદ નથી ? પણ બે કલાક ના રૂપિયા જમા નથી થયા એનો કેવડો મોટો રંજ છે ?હું તરત ગણતરી કર્યા વગર એને પૂછું છું કેટલા છે? ને એ મને કહે છે એક રકમ -હું એના દેખતાં કશુંજ ચેક કર્યા વગર એને મારા પાકિટ માંથી એ રકમ એનાં હાથમાં મુકું છું ને તરત જ એ ત્યાંથી એકદમ સભર બની , હસતો હસતો નીકળી પડે છે.જાણે આંખોથી આશીર્વાદ આપતો હોય એ રીતે...પણ પછી હું વિચારે ચઢું છું -કદાચ એ રૂપિયાથી પોતાનાં દિકરા માટે નવો કંમ્પાસ ખરીદશે કે પોતાના વૃદ્ધ મા - બાપ ના ચપ્પલ -કે કંઈક બીજુ ? નાનામાં નાની બાબત કદાચ મોટામાં મોટી રીતે અસરકારક નીવડે એવું બને?ચૂકવાતી મોટી કિંમત કરતાં ચૂકવવાની બાકી રહેલી નાની રકમનું મૂલ્ય વધારે હોય છે એવું સમજાવતો આજનો આ પ્રસંગ મારા માટે અમૂલ્ય છે ,લોકાભિમુખ માં આ વખતે ફક્ત આટલું જ -ફરીવાર પાછા મળીશું કો'ક નવા પ્રસંગે ત્યાં લગી-સ્વસ્થ રહો વ્યસ્ત રહો -મસ્ત રહો
No comments:
Post a Comment