Thursday, April 25, 2019

યુથોપનિષદ

અેક આજનાં યુગનાં વ્હોટસઅેપિયા યુવાનની 'સ્વ'ની શોધ યાને ''યુથોપનિષદ". નવનન્નાની લોકવાયકા ઘરાવતા નડીઆદ નાં નવયુવાને રચ્યું વિસ્મય..અેમની જોડે વાત કરતાં જાણવા મળ્યું કે..પિક્ચર અભી બાકી હૈ..મેરે દોસ્ત !!આ પુસ્તક અે શોધ પવૅ છે. ઉપનિષદોનાં શ્ર્લોકોનો આધાર લઇને જીવનનાં દ્વદ્ધોનું આલેખન ભાવવાહી શૈલીમાં મળે છે.ગેબી -ભેદીને સંયોગી વાતોનો સરવાળો છે આ પુસ્તક .કાચુ પૂઠું ને ૨૯ ચેપ્ટરમાં સંગ્રહિત ફકત ૧૫૯ પૃષ્ઠોની આ કથા ભાવકને જકડે છે.હવે શું ?ને પછી શું થયું હશે નાં રોમાંચની આ કથા અંતે આનંદનો અનુભવ કરાવે છે.આખી વાતમાં તમને કથાવસ્તુ ભારોભાર પરિચિત લાગશે.
વાત નવી નથી પણ કથનશૈલી નવી છે.યુથોપનિષદ ઘરમાં વસાવવા જેવું પુસ્તક તો છે જ પણ મૈત્રીની શરૂઆત કરવી હોય ને સામેવાળાની નજરોમાં અલાયદું સ્થાન મેળવવું હોય તો અેકવાર વાંચીને ગિફ્ટમાં અપાય અેવું પુસ્તક છે.યુથોપનિષદની ચચાૅ માત્રથી સંબંધોમાં સુવાસ પ્રસરશે અેની ગેરેન્ટી છે.અત્યારનાં ફોરવડેડ મેસેજનાં યુગમાં આ પુસ્તકનું સેવન કરવાથી મન ની રેમ વધે છે. યુથોપનિષદઅે ભાર વગરનું ભણતર છે.
અત્યારે વેદો પુરાણો ગ્રંથોમાં સમય ન આપનાર યુથ માટે સ્ક્રિરિયોસિટીને પોષનારું આ પુસ્તક ચોક્કસ ભાવકોનાં મન ને જીતી લેનાર સાબિત થશે .અેક યાત્રાની ફિલિંગ કરાવે છે.હર કી પૈાવડીનો ઘસમસતો પ્રવાહ જેમ પાછા જનારને ફરીવાર જોવાની વૃતિ થાય ને અે સાથે જોડાયેલ માન્યતા કે " ગંગા મૈયા તુમ્હે ફિર સે બુલાયેગી.." ને સુદ્ધડ બનાવે છે અેમ ડોક્ટર હાદિેૅક નિકુંજ યાગ્નિક ની માન્યતા બે જ ચેપ્ટર વાંચનાર આખી નવલકથા પૂરી કરે છે અે બાબત સત્ય ઠેરવે છે.નાગાબાવાઅોનું સત હિમાલયનું તપ અને યોગીઓનું યોગબળ આ નવલકથાનો આંતરધ્વનિ છે.ક્યાંક રમ્યધોષા છે તો ક્યાંક ગૌમુખમાંથી ધસમસતી અેવી ગંગા ..ચાલીસ પગો જેને અંગ્રેજીમાં સેન્ટિપેડ કહે છે અેની વાત છે તો ક્યાંક કોઇ વીર યોધ્ધાની ઇશ્ર્વર પરની શ્રદ્ધા છે...ક્યાંક કો'ક દૂરસુદૂરથી બોલાવે છે તો ક્યાંક લાલ પોતળીવાળો 'છોડ દો મીલ જાયેગાં ની વાત કરે છે..
બુધવારી કોલમમાં લખતાં લખતાં આ સજૅક જે કઇંક ભાળી ગયો છે અે બધું જ કલમનાં કરતબ થકી અેક બહારવટિયાંની જેમ મૂકતો જાય છે. અે અેવુંય લખે છે કે.. "પેશન અેટલે પોતાની જાતને ભૂલીને પોતાને ગમતાં કામ કરવાની પરંપરા .."
"રોમાંચ  અેટલે પોતાની  મયાૅદાના માપદંડ તોડીને મેળવવામાં આવતી મજા"
તક અેટલે હજારો "ના" ની વચ્ચે સંભળાતી છેક હ્લદયથી ઊઠતી "હા" અને ગાંડપણ અેટલે જાત સાથે પ્રામાણિક રહેવાની શરત...
આવા તો કઇ કેટલાંય અવતરણોનાં વિસ્મયથી મઢેલું આજનાં યુવાનોને પોતાની વિસરાતી જતી સંસ્કૃતિ જોડે જોડતું પુસ્તક યુથોપનિષદ કે જેનાં સજૅક પોતે માઇક્રોફિક્સન વાતાૅઅોનાં બેતાજ બાદશાહ છે અેવાં ડોક્ટર હાદિૅકને જોરેકલમ અોર જ્યાદાની દુઆઅો સાથે શુભેચ્છા.અગામી યુથોપનિષદ-૨ની રાહ જોતાં ભાવકોની ઇતેંઝારી સાથે ફરી મળવાની શરતે .આ ઉનાળે કાળઝાળ ગરમીમાં પંખીઓને ચણ ને તરસ્યાંને જળ..

Sunday, March 10, 2019

એક ખોજી કલાકાર સ્વરસામ્રાજ્ઞિ- પ્રિયંકા ખેર

સફરમાં હમસફર મળે સ્વાભાવિક છે.અમદાવાદ વડોદરા જતાં ને આવતાં નિતનવાં અનુભવો થાય છે.થતાં રહેશે.મને પોતે સેલ્ફ ડ્રાઈવ કરવાનો મોટો કંટાળો.એમાંય નોકરી કરીને પછી વડોદરા જવાનું...!! બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્પોર્ટનો ઉપયોગ કરવાનું હિતાવહ અને સુરક્ષિત માનું.કશું આહલાદક ન બને તો નિંદ્રાદેવી પ્રસ્નોસ્તુ:.એક કલાકની ઉંધ મળે તો ભયો ભયો!!છેલ્લાં બે ત્રણ દિવસથી અમારાં સ્નેહીજન રિષભ મહેતા સાહેબના સુપૂત્ર ચિ.રાગ નાં પાણીગ્રહ શિવાલી જોડે થતાં.રોજ જલસો હતો.સંગીતના સર્વોપરી એવાં ખ્યાતનામ મિત્રો ,કવિઓ ને લેખકો નો મેળાવડો જામ્યો હતો.મારી જાણ પિછાન અને ઓળખાણનાં  જોરે રીટર્ન ગિફ્ટ વહેંચવાનું સોહામણું કામ મને સોંપવામાં આવેલું.'રાગ-શિવાલી'.કવિ શ્રી રિષભ મહેતા રચિત ગીત સંગ્રહ ભાવકોને સાદર આપવાનો .બધા ને અંગત-સંગત રીતે મળવાનો અનેરો ઉપક્રમ આના થકી પ્રાપ્ત થયો.રસોઇયો ભૂખે ન મરે.બધાને વહેંચતા એક પ્રત મેં મારા જોગ રાખી હતી.નિરાંતે બસમાં બેઠો મને થયું યથા સમય છે તો લાવ જરા નજર કરું!!બાજુમાં એક નકાબ જેવી ઓઢણી બાંધેલી એક છોકરી બેઠી.હું પાનાં ઉથલાવવામાં મગ્ન થયો.થોડી વારે મૌન તૂટે છે.ને પહેલો સવાલ એનાં મનમાં જાગે છે.તમે કવિ કે લેખક છો ?મેં કહ્યું જી.
આ કોનું પુસ્તક છે ? મેં કહયું રિષભ મહેતાનું.મને પૂછ્યું રાગના પિતાજી ?મેં કહ્યું 'હા'.હું ચોંક્યો.મેં કહ્યું આપ એમને ઓળખો છો ?તો મને કહે હા... હું પણ સિંગર છું ને મેં એમની સાથે સ્ટેજ શેર કર્યું છે. 
વાતોનો દોર જામ્યો.પોતે ધંધુકાનાં એક ખેડૂત ની દીકરી.સ્કૂલમાં રીસેસમાં સંગીત ના શિક્ષક જોડે ગીતો શીખતી.એન્જીનીયરીગ કરી ને પોતે એકેડેમિક્સમાં રીડર તરીકે જોડાઇ.આઇ.ટી.ની પોતે નિષ્ણાત બની ને પોતાની કોલેજના બેન્ડની લીડર બની.ગામડાં ગામની છોકરીની વાતોથી મન ભરાઇ ગયું.પટેલની દીકરી બાપા કોલેજની ફી માંડ માંડ પૂરી ભરતાં હોઇ સંગીતનું શિક્ષણ મેળવવા માટે પૈસા માંગવાની હિમ્મત પોતે ન જુટાવી શકી.પણ કહે છે ને કે જેને શીખવું જ છે એ ને ગુરુ મળી જ રહે છે.પોતે ખોજી છે.તરવરાટ વાળી આ યુવતી ને નસીબ જોગ એનો પતિ વિકાસ પટેલ ફિલ્મ મેકર મળ્યો જેની બે શોર્ટ ફિલ્મો વિદેશ માં વખણાઇ.એમણે પ્રિયંકાને મુક્ત આકાશ આપ્યું ને કહ્યું "જા તું જીલે અપની જિન્દગી "લગ્ન વડોદરામાં થયા નસીબ જોગ કલાકારોની કદર કરે એવું સાસરું મળ્યું!!સાસરિયામાં પેઈંટીંગ્સના અને સંગીતના ગુણીજનો સાંપડ્યા...અને યુ.એસ થી અમદાવાદ અને વડોદરાની સફરે ચાલી સંગીતની અનોખી યાત્રા.પોતે લોકસંગીત ની ગાયિકા અષાડીયો આવ્યો છે ગોરમાનો વર કેસરિયો નદી એ નાહવા જાય રે.. જેવાં સુંદર મજા કંપોજિશન સ્વરબદ્ધ કરે છે.શબ્દો ખૂટે તો એ પોતે કલમી બની ને ઘુંટે છે.એકદમ નવા શબ્દોની શોધ માં નીકળેલી આ અદભૂત છોકરી ને એને ગમતાં શબ્દો મળે અને એને સફળતા ફળે એવી શુભેચ્છા.
મને રિષભ ભાઇએ 'રાગ-શિવાલી'પુસ્તક આપવાનું કામ સોપ્યું ત્યારે કહ્યું હતું કે 'તું કવિઓ અને ભાવકો ને આ પુસ્તક અચૂક આપજે'!!મને ગઇકાલ સુધી માત્ર કવિઓ જ મળ્યા હતાં.ભાવક બાકી જ હતાં..મેં મારી કોપી મારી ફરજ ના ભાગરૂપે પ્રિયંકાને આપતાં કહ્યું કે ''આમાંથી તને ગમતાં ગીતો સ્વરબદ્ધ કરજે એ આ પુસ્તકની સાચી કિંમત બનશે.''!!
https://www.youtube.com/channel/UCZ_VQm_Q-uHBL4jhySQllXg 



https://www.youtube.com/channel/UCZ_VQm_Q-uHBL4jhySQllXg   

Sunday, February 10, 2019

ચેલેંઝ્ડ પૂરી કરતું લોકબોલીનું નાટક "મેં ગંદેવીનો ગલો"




  ન ટકે એ નાટક.સાંપ્રત સમયમાં પ્રાદેશિક ફિલ્મોની સાથે ટક્કર ઝીલવાં નાટક સજ્જતા કેળવતું જાય છે.રંગમંચ પ્રેક્ષકો સતત નવું ઝંખે છે.તેઓને સતત નવું પિરસવા માટે કટિબદ્ધ એવાં દિગ્દર્શકો નિતનવું કરતાં રહ્યાં છે ને રહેશે.ભાષા માટે બાર ગાઉં એ બોલી બદલાય વાસ્તવિકતા એ ને શિરોમાન્ય રાખીને જયારે કોઇ એની તળપદી ભાષા નો ઉપયોગ કરે છે ત્યારે એ બાબત ખરેખર સરાહનીય છે.સતીશ વ્યાસ એ નાટ્ય જગત માટે નવું નથી આ પૂર્વે પશુપતિ અને જળ ના પરદે જેવાં અદભૂત નાટકો આપી ચૂકેલા આ લેખક તાપી થી વાપી વચ્ચે બોલાતી દક્ષિણગુજરાતની ગણદેવી માં બોલાતી તળ ની ઘેરૈયાઓની બાની લખેલું નાટક  "મેં ગંદેવીનો ગલો" લખે છે ત્યારે એની પરફોર્મન્સ અને થિયેટર વેલ્યૂ માટે તરાશવા માટે નાટકનાં દિગ્દર્શિકા સોનલ વૈદ્ય કુલકર્ણી ને કહે છે ત્યારે તેનો ડીટેઇલ લેખ તેઓ આપે છે. અહીં વાત પૂરી થઇ જતે પરંતુ નાટક જયાં લગી સ્ટેજ પર ન આવે ત્યાં સુધી નાટક શેનું ?
રઘુવીર ચૌધરી સાહેબ સોનલબેન ને ટકોર કરે છે.તમે આને ભજવી બતાવો તો જાણું ને નાટ્યકાર જ્યોતિ વૈદ્ય ની દીકરી હોવાને નાતે આ ચેલેંઝ્ડ પૂરી કરતું લોકબોલીનું નાટક "મેં ગંદેવીનો ગલો"નું મંચન શરૂ થાય છે.સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના હેઠળ રજૂ કરવામાં આવે છે જીવન જ્યોત ટ્રસ્ટ ના નેજા હેઠળ જે.ઝેડ। આટર્સ અને એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજ અમરોલી સુરતનાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત રાજ્ય નાટક સંગીત અકાદમીની સહાયથી એક અદકેરું નાટક"મેં ગંદેવીનો ગલો".
 નાટકની વિષય વસ્તુ વર્ગવિગ્રહ પ્રેમ અને હક્કોની લડત ને ઉજાગર કરતું એક ટોટલ થિયેટરની ફીલિંગ આપતું લગભગ 20 જેટલાં કલાકારો દ્વારા ભજવાયેલું આ નાટક એ ખરેખર એક અદભૂત દ્વિ-અંકી નાટક બની રહે છે.હજુ આ નાટક ના બે થી ત્રણ શો થવાનાં બાકી છે.નાટકની કથા વસ્તુ ને ખોલી ને સ્હેજ પણ રસભંગ કરવાનો મારો ઈરાદો નથી પણ આ નાટક જોવાનું ન ચૂકશો.
એટલું ચોક્કસ કહીશ કે જો રઘુવીર ચૌધરી સાહેબે આવો પડકાર ન ફેંક્યો હોત તો કદાચ રંગભૂમિ ને આટલું સરસ નાટક ન મળ્યું હોત.ધન્ય છે કોલેજ ના એ વિદ્યાર્થી ઓ ને કે જેઓ એ જહેમત ઉઠાવીને તળપદી લોકબોલીને સચોટ ઝીલી.અમદાવાદ અદભૂત શહેર એ રીતે કે આ નાટક ની બોલી ને લીધે અહીંના અનાવિલ દેસાઇ સમાજ ના મોટાભાગ ના લોકો હાજર રહ્યાં ને કલાકારોનો ઉત્સાહ વધાર્યો.આગામી દિવસો માં આ નાટક ગુજરાત ની સફરે છે વડોદરાવાળાઓ જરૂર લાભ લે એવી આશાએ સૌ નાટ્યકર્મીને મારા અભિનંદન અને શુભેચ્છાઓ.  

Sunday, January 20, 2019

વડોદરાનાં... ''લા'' અને અમદાવાદનાં ''બકા'' એ મળી ને કર્યું 'શોર્ટ સર્કિટ'

જાવ તમને આખી ફિલ્મમાં એક પણ નબળી કડી નહીં જડે!! એની ગેરન્ટી હું આપું છું..______એ કહ્યું એટલે ફાઇનલ..!! ગુજરાતી પ્રાદેશિક ફિલ્મોની કરૂણતા અને દારૂણતા  સૂર્યાસ્ત આમ તો "કેવી રીતે જઈશ !!"થી થયો ગણાય.ગયા વર્ષે આધ્યાત્મિકતા ને ઢઢોળતી ફિલ્મ 'રેવા' બની... રીતિરીવાજો ને ઘમરોળતી 'પાઘડી' અને બૌદ્ધિકતા ને પડકારતી ફિલ્મ 'ચલ મન જીતવા જઇએ 'બન્યા પછી પણ કંઈક ખૂટે છેની કમી નો જવાબ આપતી ફિલ્મ 2019નાં સૂર્યોદય સાથે બની 'શોર્ટ સર્કિટ '.નવ યુવાનોને પ્રેરણા આપતી અને કદાચ પ્રાદેશિક ભૂમિ પર લાઇટ ની ગતિએ જેણે તાલ મિલાવ્યો હોય તેવી આ પ્રથમ ગુજરાતી સાયન્સ ફિક્શન  ફિલ્મ હશે!!ગુજરાતનો રહેમાન મેહુલ સુરતી જેણે સંગીતમાં જાન રેડી છે!! ધ્વનિત અને  સ્મિતની જોડીએ પર્દા પર કમાલ કરી છે!!
હું ફિલ્મના વિષયવસ્તુ ને અકબંધ રાખવાની બાબતે એટલાં માટે બંધાવું છું કે મારે રહસ્ય  સ્ફોટ કરીને  પ્રેક્ષકો સાથે અન્યાય નથી કરવો.'સમય' બતાવશે કે ફિલ્મ માં કેટલી તાકાત છે.જેની જાહેરાત આ બન્ને કલાકારો એ ફિલ્મનાં પ્રમોશન વખતે GIFA એવોર્ડ વખતે "ટાઇમ"ની અડધી મિનિટવાળી ગેમ રમાડી ને પ્રેક્ષકોનાં મનમાં ઇંતેજારી તો જગાવી જ દીધી હતી-બન્નેની કેમેસ્ટ્રી એવી મેચ થાય છે કે ન પૂછો વાત!! પૂરક અને પ્રતિસ્પર્ધી છે બન્ને એક બીજાનાં.."વિટામિન શી" માં "વડીલ'ના પાત્ર વાળો "સ્મિત" અને ફેમેલી સર્કસવાળો "અન્ના"અને ''કિશોરકાકા'' કરતાં તમને તદ્દન નવો જ સ્મિત મળશે !!આખી  ફિલ્મ એકદમ નવી જ અનુભૂતિ કરાવશે. વિષયવસ્તુની બાબતે સાયન્સ ફિક્શન એ આ ફિલ્મનું નોખું જમા પાસું છે.ગીત વગરની ગુજરાતી ફિલ્મ!! તમને એનાં સંગીતથી તારશે.લવ સ્ટોરી નથી!! કે નથી આમાં એવી ફાઇટિંગ સિક્વલ!! છતાં તમને ફિલ્મ ગમશે. મનોવ્યાપાર દ્વારા તમને સતત હવે શું થશેની ઇંતેજારી જગાવનારી આ ફિલ્મ જોવાનું ન ચૂકશો. સેન્સેક્સ જે રીતે ચઢે એ રીતે એનો ગ્રાફ ઉપર ને ઉપર વધતો જાય છે.નહીં જુવો તો પસ્તાવવાં કરતાં ગુજરાતીઓ જોઇને કૉલર ટાઇટ રાખવાં વાળા છે..અને અંદરની વાત તો એ છે કે આ આખી મૌલિક ફિલ્મ છે -કોપી નથી !!પણ 'હા' કોપી નહીં થાય એની કોઇ જ ગેરેન્ટી નથી-''ઓરીજીનલ ''વસ્તુ છે લા..જા બકા જોઇ આવ...જોઇ આવ!!. 
છેલ્લે એટલું જ કહીશ કે હવે શું ?નો પડકાર સામે છે.આ નવી પેઢી આને સાચા અર્થ માં જીલે તો નવાં વિષયો તૈયાર છે...2019 પ્રાદેશિક ફિલ્મોનો સૂર્યોદય છે.કદાચ આ રીતની ફિલ્મો નવી પેઢી માટે નવો અવાજ બની રહેશે.અંતે એટલું જ કહીશ કે સમય કાઢી ને 'સમય'ના પાત્ર માં ધ્વનીતને જોઇ આવો.તમારો સમય સુધરી જશે.ફિલ્મ થિયેટરમાં જ જોવા જેવી છે કારણકે હોલ વગર માહોલ ક્યાંથી લાવશો? 
         

Wednesday, January 2, 2019

ચલતે ચલતે...

વિહાર શબ્દ બૌદ્ધ અને જૈન સંપ્રદાય સાથે સંલગ્ન છે.ભિક્ષુકો પોતાના તપ અને નિયમો માટે જાણીતાં છે.ઓશો રજનીશજીની મહાવીરનાં જીવન પર આધારિત જિનસુત્ર કે ધર્મપદ સાંભળો તો જાણો !! ઘણીવાર જૈન સાધુઓ નાં રસ્તે ચાલતાં આશીર્વાદ લીધાં છે.કયારેક તેઓને ઘરે સામેથી કશુંક "વ્હોરવા "માટે નોતર્યા છે.તો ક્યારેક ગચ્છાધી પતિ મહારાજશ્રી ઓના હાથે માથે વોસ્કેપ નંખાવી છે.
તેઓ એટલી બધી જીવદયાનાં હિમાયતી હોય છે કે તેઓ બોલતી વખતે -ચાલતી વખતે કે કોઇ જીવ જંતુ ન હણાઇ જાય એની કાળજી કરે.પાણી ગાળી ને પીવા માટે ગરનાની પ્રભાવના કરે -તમે થાળી ધોઇ ને પીવો તો પ્રોત્સાહન રૂપે પ્રભાવના આપે અર્થાત તેઓનો હ્યુમન અપોર્ચ સરાહનીય છે.ગુજરાતી થાળી વિશ્વના બધાં દેશોમાં કદાચ પહોંચી નથી પણ જૈન  મેનૂ  બધે પહોંચી ગયું છે.આ ધર્મ ની પકડ અથવા તો એનું ઍક્સેપ્ટન્સ છે.
આજે આ વાત કરવાનું ઓઉચિત્ય એટલાં માટે કે..આજે એક નવી પ્રભાવના જોઇ..!!અમદાવાદ જવા સમા તલાવથી   CTM -CTM બોલાતી - શટલ બસ પકડીને જવાનું થયું!! .ગૌર નાં કૂવા પાસે રહેતાં મિત્ર ને ઘરે ગાડી મૂકી અવર જવર થતી હોય છે.
સવારે જે સમયે ભ્રમણમાં નીકળે એ સમયે હું નીકળ્યો હતો.વિહિલચૅરમાં એકાદ વૃદ્ધાવસ્થા એ પહોંચેલા જૈન સાધ્વીઓ હાથમાં રાખેલો કાપડનો પંખો લઇ નીકળ્યાં.મેં વંદન કર્યા જરા આગળ ચાલ્યો તો "નેકી કી દિવાર " લખેલી એક દિવાલે હું આભો બની ગયો જયાં ત,તમારે તમારા જૂનાં પણ ફાટેલાં ન હોય એવાં -ન જોઈતાં કપડાં લટકાવવાવી છૂટ જરૂરિયાતમંદો માટેની પ્રભાવનાં...!! કેવી અદભૂત વાત 
હવે તમે ફક્ત એટલું વિચારો કે ગાડી લઇને તમે રોડ પર ફક્ત એટલું જ જોઇએ છીએ કે આપણે અને આપણું વાહન કોઈની જોડે ભટકાય નહીં કે અંદર રહેલાં આપણને નૂકશાન થાય નહીં..!! કેટલાં સેલ્ફિશ બની જઇયે છીએ આપણે ?? આ તો થોડુંક ચાલવામાં આટલો અદભૂત વિચાર સાંપડ્યો તો જે જૈન સાધુ સાધ્વીઓ ભ્રમણ કે ચોમાસાં ગાળવા વિવિધ સ્થળો એ ભમતાં હશે તેઓ તો આવું ડગલે ને પગલે પામતાં હશે -કો'કને પ્રેરણાંય આપતાં હશે !!ખરું ને ? પ્રભાવનાં સદ્દવિચારને આગળ પહોંચાડવાની પોઝેટિવ લાલચ.એક રૂપિયાની પ્રભાવનાં લેવાં માટે થાળી ધોઇ ને પીવાની અને એકપણ અન્ન નો દાણો બગાડવો નહીં એ કેટલી મોટી વાત..
સંસ્કારોનું સંવર્ધન કરવાની નોખી રીત...એક નવી દિવાલ પણ જો આ બ્લોગ વાંચીને બને તો જીવન સફળ -બાકી લોકાભિમુખમાં મળતાં રહીશું.નવી વાતે-નવી રાહેને નવાં વિચારે..નવું વરસ શુભ રહો -2019ની માટે સૌ ને અંતે શુભમ ભવતુ :  

Thursday, December 27, 2018

સ્વર્ગોત્સવ

સ્વર્ગવાસી શબ્દ હવે વાસી થયો હોય એવું લાગે છે.સ્વર્ગારોહણ શબ્દ જોડે જોડાયેલી કાયાવરોહણ ની વાત સૌ જાણે જ છે -ત્રીશઁકુ અને વિશ્વામૈત્રી ઋષિ કે જે એક માત્ર ક્ષત્રિય હતાં.પણ આજ વતપ્રદની અત્યારની એટલેકે 2018ની વાત કરું છું.મારે એમની સાથે મનદિલીનો નાતો છે એવા અમારા એક વ્હાલા સગાં અતુલભાઇ પંડ્યા ના પિતાજી સુર્યકાન્ત રમાશંકર પંડ્યા 13/12/2018નાં રોજ બ્રેનડેડ જાહેર થાય છે.આ બાબત ઘરનાં અન્ય એક શુભ પ્રસંગ ને દયાને રાખીને બીજા દિવસે જાહેર કરાય છે.અહીં થી શરૂ થાય છે શુભાશુભની હારમાળા.આપણી ગુજરાતી ભાષામાં જતાંને આવજો કહેવાનો અનેરો ઉપક્રમ છે.આવજો એ જવા વાળા માટે ફરી મળવાનું ઇજન છે.એમનાં જ મિત્ર પ્રહર્ષ મહેતા ના શબ્દોમાં કહું તો "અતુલ એ માત્ર જન્મે નહીં કર્મે પણ સવાયો બાહ્મણ છે"પોતાનાં પિતાજીનાં આ પ્રસંગ ની તૈયારી ના ભાગરૂપે એમની ઇચ્છાનુસાર ની સામગ્રીઓ એકઠી કરી વાસ્તવિકતા નો સહર્ષ સ્વિકાર કરનાર આવો દિકરો આજનાં યુગમાં મળવો શક્ય નથી.જાણેકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ને ફોલો કરતાં હોય તેમ એમની બને એટલી બધી જ ઈચ્છાઓ પૂરી કરી એમને આવજો કહેવાનો પ્રસંગ ઉજવવા માટે મન માં કેવી લાગણી સાથે બધી તૈયારીઓ કરી હશે ? શોક કે વિષાદ નહિ પરંતુ પ્રાર્થના ઉમેરાય.દીકરીની વિદાય હોય તો ભીંતે કંકુથાપા હોય પરંતુ બાપ ની વિદાય વખતે એમનાં કંકુ પગલાં લેવાય !!આ પ્રથા નવો ચીલો ચાતરનારી છે ! સી ઑફ ને સોરો ફૂલ નહીં પરંતુ જૉયફુલ બનાવવાની વાત છે.13માની વિધિમાં જયારે દર્ભની વીંટી પહેરીને પિંડ વ્હોરવાનો પ્રસંગ આવે છે ત્યારે ભલભલા ના કાળજે કંપારી છૂટે છે એવાં પ્રસંગે સગાં વ્હાલાઓને આલિશાન હોટલમાં મિજબાની આપીને પોતે ઋણમુક્ત થતાં આ જીવને સો સલામ...એટલું જ નહીં ત્યાં પણ પછી પ્રાર્થના નો એકધારો ઉપક્રમ જોડાય એ નાની સૂની વાત નથી.આગામી દિવસોમાં આ સ્વર્ગારોહણ ની પુર્ણાહુતી પણ સંગીતની સંધ્યાથી કરવાનો ઉપક્રમ યોજવાનું વિચારી રહ્યાં છે.અંતે એટલું જ કહીશ કે ધન્ય છે એમને કે જેમણે આવા સંસ્કારોનું સિંચન કર્યું.