Friday, August 31, 2018

રસિયા રસનિધિ જેવાઓ ક્યાં ગયાં ?

દસકામાં સૌકાઓ જેવું બદલાતું જોયું છે જેનો  આનંદ અને રંજ બેવ છે થોડા સમય પહેલાં રેડિયો પર સાંભળ્યું કે એમ.ટી.વી. બંધ થયું...નાના હતા.ત્યારે સમયાંતરે માથા પર થી ઉડી જતાં પ્લેન એર ઇન્ડિયા પણ બંધ થવાની વાતો ચગડોળે ચઢેલી છે,તો ક્યારેક પેલું દૂરદર્શન નું ગોળ ફરતું સત્યમ શિવમ સુન્દરમનું ચકરડું પણ ભુલાયું છે!! તો ઘણી બધી જૂની એડ રસના કે લિજ્જત પાપડ ને ઘણું બધું નથી  ત્યારે કેટલાક સંસ્મરણો વાગોળું છું સંગીતની બેઠકોનો એક યુગ મેં મારી આંખ સામેથી પસાર થતો જોયો છે જેના સદ્ર તરીકે બિરાજમાન રહેતા નરેન્દ્ર ડી જોષી.એક ભરચક એવું વ્યક્તિત્વ કે જેમણે મને સાંભળવાની અને બોલવાની બેવ એવી મહામૂલી તાલીમ આપી -કાન કેળવ્યા -સંગીત તો ન શીખ્યો પણ શબ્દો ના હાર્દ પામ્યો.લગભગ ઘણાં લાંબા સમયસુધી તેમની અસર માં અમે જીવ્યા.હવે તેઓની યાદો ના સહારે છીએ.તેઓ ના થકી એમના મિત્રોની પણ મહામૂલી જણસ તરીકે અમને સાંપડ્યા તેઓના મિત્રો નયન દેસાઇ -યઝદી કરંજિયા -રવિન્દ્ર પારેખ અને રસપ્રદ એવાં રસનિધિ વોરા જેવાં અંગ્રેજી ભાષાનાં ભાવનગર ના PROFESSOR dક જેનું પાન થી લાલ ચટાક મધમધતું મોં રહેતું અલક મલકની વાતો કરતાં   ...આ બધાય ને અનેકવાર એમના ઘરે યાતો પછી અમારા ઘરે મળવાનું થયું છે મહેફિલો માણી છે રાતો ઉજાળી છે ક્યારેક સવારો પડી છે આ બધાના સાનિધ્યમાં કાયમ મોજ જલસો ને હાર્મોનિયમ ની પેટી પરથી ગવાતા સ્વરોની રાગરાગાદીઓ સાંભળવાનો સાંભળાવવાનો શોખ નરેન્દ્ર જોષી સાહેબે પાળ્યો ને પૉસ્યો એમનાં સીધા વંશજોમાં ધ્વનિત જોષી અને મેઘા જોષી સીધા આવે.તેઓ ના મિત્ર સરનિધિ વ્હોરાની એક સરસ મજાના પ્રસંગે વાતને વિરામ આપું કે એકવાર રેડિયો પર પુરુષોત્તમ ઉપાધ્યાય ગાવાના હતાં યાને એમની ગાયકી નો કાર્યક્રમ બ્રોડકાસ્ટ થવાનો છે એવું જયારે રસનિધિ ભાઇ એ જાણ્યું તો ભાવનગરમાં ઝભ્ભો ધારણ કરી લીધો....કહેવું પડે!!તેઓનું સૌજન્ય આવા રસિયા હવે ક્યાં મળશે એ પ્રશ્ન છે...કેવી દીવાનગી કેવી  અલાયદી રીતે જીવ્યા હશે ? આ બધા જલસાના જીવો ,મહેફિલો તેઓ સજાવતાં.મેં અંતિમ શ્વાસોમાં પણ જાણે તંદ્રાવસ્તા માં પણ કોઇ મહેફિલનું સંચાલન કરતા હોય તેવાં નરેન્દ્ર જોષી સાહેબને જોયાં છે.... તેઓ અમારી મહામોલી જણસ અજોડ વ્યક્તિત્વ બની જીવી રહ્યા છે...આજેય પણ!!-હંમેશ માટે!!      

Wednesday, August 29, 2018

અશોકપૂરી ગોસ્વામીની વોલ પરથી સાદર

કવિ હોવું એટલે શું...??
ગયા રવિવારે, ઢસાથી સ્થળાંતર કરી હાલ સૂરત રહેતા આત્મિય મનોહર ત્રિવેદી લગ્નના એક માંગલિક પ્રસંગમાં મળી ગયા. ઘણા સમય બાદ અમે મળતા હતા, એટલે એકબીજાને કહેવા-પૂછવાનું પણ ઘણું હોય.
દરમ્યાન એમણે વસવસો કરતાં,' અશોક
જ્યારે, હું આશી આવતો ત્યારે, તું કહેતો મનુભાઈ ,આવ્યા જ છો તો,ચાલો રણું. રાજેન્દ્રગિરિ રાજી થશે.પણ તે વખત,ફરી આવું ત્યારે.. અને...આજે...તો...હવે.' એમ વસવસો કરીને રાજેન્દ્રગિરિ મહંત સાથેનાં પોતાનાં સંસ્મરણ,પોતે પુનઃ જોતા હોય તેમ મને
મને શેયર કરવા લાગ્યા.
અમારી સામે જ સ્ટેજ. મ્હૉયરામાં વરકન્યા.પાણિગ્રહણની વૈદિક વિધિના મંત્રોચ્ચાર હોલમાં ગૂંજે. હોલ આખો હકડેઠઠ... એમાં મિત્ર મનુભાઈએ ખોલેલા એમના સ્મરણ પટારાની વાત કાઢી. હવે થવું તો એવું જોઇતું હતું કે, અમે વરરાજાના પિતાના આત્મિય હોઇ  વેવાઇ વરોટના રોલમાં રહીને,લગ્ન વિધીને રસપૂર્વક નીહળીએ. લગ્નને માણીએ. પણ, રાજેન્દ્રગિરિની યાદ  અને વાતમાં મનોહરભાઇ મને સાંકળે.હવે મારા પક્ષે પણ થવું તો એવું જોઇએ કે,સામે ચાલતી લગ્નવિધિથી અલગ પડી, હું પણ મનોહરભાઇની વાતમાં તન્મય થાઉં.પરંતું હું પણ,મનોહર સાથે હોલમાં હોઇને, હોલમાં હતો...?? ના. ન હતો. અરે... હું હતો... અહીં થી માઇલો દૂર,બે દાયકા પૂર્વેની આવી જ એક લગ્નવિધીમાં. સામે જ લગ્નવિધીના મંત્રોચ્ચાર  ગૂંજે. ફરક હતો તો એટલો કે, આજે, અહીં, સૂરત વરપક્ષે બેઠો છું. ત્યાં,ત્યારે કન્યાપક્ષે બેઠો હતો. કન્યા હરિતાના પિતા રાજેન્દ્રગિરિના અત્યાગ્રહથી ત્યારે એમની સાથે મને, વેવાઇ-વરોટ વચ્ચે બેસાડેલ.
કન્યાના મોટા બાપુના હસ્તે વિધી થાય. હાલ ચાલતી લગ્ન વિધી જેવી જ પવિત્રતા વાતાવરણમાં ચાલે.તે વખતે, પોતાને જાણે કશું યાદ આવ્યું હોય તેમ, રાજેન્દ્રગિરિ મારો હાથ પકડી,પોતે ય ઊભા થતાં,વેવાઈની રજા લેતાં,"અમે આવીએ જરા ..." એમ કહી ઉઠ્યા.જોડે જયેન્દ્ર ભટ્ટ અને પૂજાભાઇનેય લીધા.અમને તો એમ કે,લગ્ન કે,પછી મંદિરના અગત્યના કામ અંગે અમને સાથે લીધા છે.
બાપજી,અમને,એમના ઓરડામાં દોરી લાવ્યા.બહાર હકડેઠઠ મહેમાનો.પોતાની દીકરીના લગ્નની પવિત્ર-વિધીના મંત્રોચ્ચાર ચાલે.પરિસર ભર્યો ભર્યો. ‍
અમારા મૌન પ્રશ્ર્નાર્થને,નર્યા વિસ્મયમાં પલટાવતાં, રાજેન્દ્રગિરિ મને કહે ; " બહાર મંત્રોચ્ચાર અહીં ગઝલોચ્ચાર....થવા દો,તમારી પેલી ગઝલ...
''અહીં જળ છે,જળમાં ઊતરવાનું પણ છે,
અને,  સાવ  કોરા  નીકળવાનું  પણ  છે ‌."
ન માત્ર હું, પૂજાભાઇ, જયેન્દ્રભાઈ,અને કૈંક કૂતુહલથી અમારી પાછળ આવેલ એક બે  સ્વજન સ્તબ્ધ. હું કિમ્ કર્તવ્યમૂઢ. હું હમણાં જ જાગ્યો હોય તેમ ચમકી, " ના. બાપજી ના." કહી નકારો કરવા ગયો પણ, અંદર-બહાર ભગવા રંગે રંગાયેલા મહંત સામે એક ન ચાલ્યું અમારૂ. કોઇની ય વ્યવહારકૂશળતા કામ ન આવી.પોતાની વાતના સમર્થનમાં ઉલટાનું એ, એમ કહેવા લાગ્યા કે," પેલા મંત્રોચ્ચાર જે કહે છે તેવું જો આ ગઝલ કહેતી હોય તો,ગઝલોચ્ચાર થવો ઘટે. અને તો જ સંપન્ન થશે લગ્ન. એટલી કસર અહીં પૂરી કરીએ. થવા દો ગઝલોચ્ચાર..."
મને તો એમ કે, એમનું મન રાખી, અમનુ માન રાખી, એમણે સૂચવેલી ગઝલનું પઠન કરી રાજી કરી લઉ. પણ આ શું...!?! એમણે તો ઓલી...ગઝલ,પેલી..ગઝલ...કરી કરી એમને પોતાને જ કંઠસ્થ એમને ગમતી ગઝલોને સર્જકમુખે અત્યાગ્રહપૂર્વક/ ભાવપૂર્વક સાંભળી.
દોસ્તો, ત્યારે ય...અને આજે ય મને એ હજી ય નથી સમજાયું કે,
પોતાની દીકરીના લગ્નમાં થતા મંત્રોચ્ચાર...જે એમને પોતાને એના અર્થ સંદર્ભ સહિત કંઠસ્થ, (વળી મહંતે  પોતે તો, કાશી-બનારસ રહી પૂજન અર્ચન વિધિના સંસ્કૃત શ્ર્લોકો ભણીને પાત્રતા મેળવેલી )તેને, મારી ગઝલો સાથે કેમ બોલાવડાવી...??!! એમનું ધાર્યું કરાવીને
એમણે શું હાંસલ કર્યું ?? એ તો એ જાણે પણ...મને તો આયનો ધર્યો વિના બોલ્યે.
હા, દોસ્તો, મારી ગઝલ કે ન અન્ય કોઇની ગઝલ બાબતે હું કશા ભ્રમમાં નથી.એ સાધુ-ચરિત મહંતે તો મારા સહિત અન્ય સહુ કવિઓને એક ઊભી/ઊંચી રેખા દોરી આપી. તે વખતે એમને કૈં ન પૂછાયું. તે પછી ય એમણે આ વિશે ન કોઇ સંકેત.. ઇશારો...ય કર્યો. અને, આજે હવે જ્યારે એ સદેહે નથી ત્યારે...તો, એમણે અમને ધરેલો આયનો અને,પેલી ઊભી રેખા; વિક્રમના સિંહાસનની બત્રીસ પૂતળીઓની જેમ; " ઠેર." કહી..કોરા કાગળપર  શબદ પાડતાં ટોકે છે. રોકે છે અને, કવિ હોવું એટલે શું...?તેનું, તથા કવિ હોવાની જવાબદારીનું ભાન કરાવેછે.

( આ ઘટનાના નાયક રાજેન્દ્રગિરિ અને સાક્ષી પૂજાભાઇ પટેલ તો હયાત નથી,પણ રાજેન્દ્રગિરિ મહંતના પરમ
સનેહી જયેન્દ્રભાઈ-ભૂમિપૂત્રના પ્રૂફરીડર - હજી આજે ય હયાત છે.)
(હા,  કવિતા સર્જનના આરંભના તબક્કે મનહર રતિલાલ ત્રિવેદીને,મૂળ નામ કરતાં, મનોહર ત્રિવેદી નામ સારૂ રહેશે નું સહજ સૂચન જ્યારે મહંત રાજેન્દ્રગિરિએ કર્યું, ત્યારે એ સૂચનને મનુભાઈ એ કાયમી રાખી એમની યાદગીરીને પોતાના સર્જન સાથે સાંકળી.આદ્યપર્યંત ચાલુ રાખ્યુ.એ પણ એક જાતનો આદરભાવ જ ને...!! )

Saturday, August 25, 2018

સ્પશૅથી રોમાંચની યાત્રા

સ્પશૅ અને રોમાંચ બેવ જોડિયા ભાઇ છે ,જેની માતા પ્રકૃતિ છે ને પિતા વિસ્મય!! વડોદરામાં કેટલાક મિત્રોને તક મળી પોતાની અભિવ્યક્તિનો મનોરથ રજૂ કરવાની .કલા જગતના ખુબ જાણીતા અેવાં નામ નફિસખાન પઠાણ,ક્રિષ્ના પડિયા,પુલકિત દવે અને અન્ય બીજા દ્ધારા પી.અેન.ગાડગિલ ગેલેરી ખાતે યોજાયેલી ફોટોગ્રાફીનાં પ્રદશૅનમાં ગઇકાલની સાંજ ગાળી.બાબત જાણે અેમ હતી કે ક્રિષ્ના પડિયા સાથેનો નાતો અેવો કે અેનાં સજૅનો માણવા મેં પીઠીચોળી હાથે બાંધેલા મિંઢળની મયાૅદા વળોટીને ગયો હતો.આમ મારો ચંદરવો ફાઇનઆટૅસની ગેલેરી સુધી વિસ્તરે તો નવાઇ નહીં !!
પુલકિત અેક નવા આયામ પરથી વાત માંડે છે અેને સપ્તપદીનાં સાત વચનોમાં રસ છે -અે કુદરતનાં સજૅન વૃક્ષમાં અેકમેકમાં પરોવાયેલા મૂળનાં આકારમાં પોતાની અભિવ્યક્તિને જીલે છે.તો સંબંધોના બંધનોને પોતાની પરિભાષા આપે છે તેના શબ્દોમાં કહીઅે તો પ્રિવેડિંગના કોનસેપ્ટથી જોડાતીને કંકાસ સુધી પરિણમતી યુગલની જોડીને કેમેરામાં કેદ કરી છે .તો ક્રિષ્ના પડિયા અે ચંદરવે વિખરાયેલા કેટલાક પાંદડાઅોને લેન્સમાં અેટલી બારિકાઇ થી જીલ્યા છે કે વચોવચ ઉપસતો સાંધો તેની અખંડિતતાને ભેદી શકતો નથી બલ્કે કો'ક વિચારનું પંખી બની ઉડી જતું હોય અેવી આકૃતિ ભાસે છે!!
તો કયાંક ગટરનાં ઢાંકણે ઉડ્ડયન કરતી સમડી પાણી માં પ્રતિબિંબ બની સમયને થંભાવી જાય છે -કયાંક સમયનાં તાણાંવાણાં લાલભૂરા દોરા થકી ચ્હેરાની ભાત ઉપસાવે છે ને રચે છે ટેક્ચરમાંથી જેસ્ચર.. તો કયાંક બારશાખે સમય બારણે સાંકળનાં વેલે ઉતરી આવે છેને ખાલીપણાંનો વૈભવ ભૂતકાળ બની રહે છે ખોવાયેલી ભીંતો દ્ધારા..તો ટપાલપેટી પર ચઢાવવાનાં જ બાકી અેવાં ફુલ આપણ ને અેસ.અેમ.અેસ.નાં જમાનાની કરુણતાં બતાવે છે-કયાંક પડ્યા છે પાણીમાં ગુલ્મોહર જે કેસૂડાનાં પ્રતિસ્પર્ધી રહ્યા ની સાક્ષી પૂરે છે.આખીય ગેલેરી માં બરોબર સામે અને સાવ છેલ્લો બેઠેલો નગ્ન છોકરો હાથમાં વાંસળી બનવાની શકયતા ધરાવતી લાકડીની પોકળતા ધ્યાન ખેંચવાનું બાકી નથી રાખતી.
ગરમાગરમ કોફી અંતે આ બધું નિહાળવામાં ઠંડી થઇ જાય છે!!ને શરૂ થાય છે અંદર થી ફેલાતી અત્તરની મહેક.મારા સંસ્કારી નગરી વડોદરામાં અ‍વનવું બનતું રહે છે!!અેનો આનંદ -રાજીપો-અવસર-ઉમળકો..

Monday, August 20, 2018

ડ્રીમ ગર્લ કિસી શાયર કી ગઝલ..

મારી જૂની ગર્લ ફ્રેન્ડ ઈવા રેડ લગાવતી.મને બ્રુટ પસંદ હતું.જોકે વાત ઉભય પક્ષે વિરોધી હતી.અર્થાત એનું ઇવા રેડ મારી પસંદ હતી અને મારું બ્રુટ એની!!ખેર એ વાતને વરસો વિત્યા..આજે મારે ઓફીસની ફાઇલો લઇ ને એક પાર્ટી ને મળવા હોટેલની રૂમ માં જવાનું થયું.અમદાવાદની ફર્ન ના ચોથા માળે એક રૂમનું સરનામું હતું ,હું કર્ટસી કોલ કરીને તેમને રીસેપ્શન પર છું એવું જણાવ્યું -તો તેઓ એ મને રૂમમાં બોલાવ્યો.હું લિફ્ટમાં ચોથા માળે પહોંચ્યો..હાથ માં બે ફાઈલો હતો.નીચે ઓફિસ ની ગાડીમાં ડ્રાઈવર રાહ જોતા હતા.મને એમ કે પાર્ટી રીસેપ્શન પર ફાઇલ મુકવાનું કહેશે પણ...મને ઉપર બોલાવ્યો!! એકાદ મિનિટ થઇ હશે ને કામ પતાવી હું નીકળ્યો લિફ્ટ બોલવી શૂન્ય -એક- બે કરતી ચોથા માળે લિફ્ટ આવતાં દરવાજો ખૂલ્યો અંદર જતાં દરવાજો બંધ થયો... ને મન વ્યાકૂળ પેલી ઇવા રેડની સુગંધી।.. લિફ્ટ નીચે જવા લાગી હું વધુ ને વધુ વ્યાકૂળ બનતો ગયો...ને પહોંચી ગયો એની યાદોમાં....!!
બસ એ ક્ષણે સમજાયું સ્વપ્ન રહસ્ય...આપણું કોન્સિયસ માઇન્ડ સતત કામ કરતું રહે છે જરી નવરું પડતું નથી...!!એનું કામ છે ઓર્ડર આપવાનું ગરમ પદાર્થ ને આંગળી અડકે કે તરત જ મગજ ઓર્ડર કરે હટાવ દાઝીશ તો ? ને આપણે આંગળી તરત લઇએ...જયારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણું સબકોન્સિયસ માઇન્ડ જાગે આપણી આજુબાજુનાં વાતાવરણ ની સાથે આપણું તાદામ્ય જોડે ખરું પણ ખુબજ સાબદું રહે એને જયારે જરૂર લાગે કે એ આપણને કશું કેહવા માંગે છે તો તરત એ પેલા કોન્સિયસ ને પોતાના અનુભવો ને જોડતી એક કડી રચે બહાર જો કોઇ દરવાજે ટકોરા મારતું હોય તો એ આપણા અનુભવોના જગત નું એક દૃશ્ય ઉપાડે કે કોઇ કપડાં ધોઇ રહ્યું છે ને એમાં એ કપડાને પાયા મારી રહ્યું છે ...ધબ ધબ ધબ। ...એ પાયા ના અવાજ ને એટલી તીવ્રતાથી જોડે કે છેલ્લે એ પાયાનો અવાજ જઇને પેલા દરવાજા ના ટકોરા સુધી વિસ્તરે આપણી ઉંઘ તૂટે પાયા પડતાં પડતાં છેક દરવાજા ના ટકોરા બની કાને અફડાય ને આપણે જાગીયે...દરવાજા પર દૂધવાળો હોય। ...આપણે વિચારીયે કે આપણે હમણાં તો કોઇ ધોબી ઘાટે હતાં ને...
બસ આ સ્વપ્નનું વાસ્તવિક સ્વરૂપ....જે અનુભવની તીવ્રતા થી લઇ જાય છે આપણ ને વાસ્તવિકતા સુધી...ને પછી ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ને નથી જતો એ સુગંધની પાછળ...મારી એ ગર્લ ફ્રેન્ડ ને શોધવા...!! કદાચ એ સ્વપ્નું  હોય તો?? ડ્રીમ ગર્લ કિસી શાયર કી ગઝલ..

Tuesday, August 14, 2018

એક બીજું વિશ્વ પણ રચાય છે જે તમારી અસંમતિનું હોય છે.

શક્યતાઓની પણ પેલે પારનું એક જગત ઉભું છે !!લોકાભિમુખમાં અવનવાં અનુભવોનું ભાથું મળતું રહે છે ,તાજેતરમાં એક અનાયાસ એક મિત્ર બને છે સંજય કે મિશ્રા  જેને હું સાયન્ટિસ્ટ થી બોલાવું છું સંબંધે તો ભાડુઆત છે  પણ પોતે અબ્દુલકલામ સાહેબ જ્યાં અમદાવાદમાં રિસર્ચ કરતા હતા એ રિસર્ચ સેન્ટરફીઝીકલ રિસર્ચ લેબોરેટરી માં ફિજીક્સના રિસર્ચર છે પોતે પ્લેનેટરી સાયન્સિસ ના ડોક્ટર છે મારા માટે રસનો વિષય એટલા માટે છે કે તેઓ હિન્દી અને ઉર્દુ નાં કવિ પણ છે હમણાં એમને હું ગોવર્ધન ભવન ખાતે મળતી બુધ કવિ સભામાં મારી જોડે લઈ ગયો હતો- નિયમ અનુસાર અમે એચ.કે.કૉલેજની ચાની કીટલી એ સૌ કવિ મિત્રો મળ્યા વાતમાંથી વાત નીકળી કે ફિજીક્સ કેટલો બધો રસપ્રદ વિષય છે !! ને પછી તો વાતે વળગ્યા -  વિશ્વમાં જયારે તમે કોઈ વાતે સંમત થાવ છો ત્યારે એક બીજું વિશ્વ પણ રચાય છે જે તમારી અસંમતિનું હોય છે!! આમ તમે સમાંતર બે વિશ્વો રાચો છો!! તમારી સંમતિથી જે સાનુકૂળતાઓ રચાય છે તેનાથી પણ વિપરીત એવી બીજી ભિન્ન એવી શક્યતાઓ પણ સામે પક્ષે રચાય છે જો તમે ના પાડો તો અન્ય એવી બીજીબાજુ જેવી કે તેને સમાંતર અન્ય દિશાઓ પણ ઉધડે છે આ બાબતને સમજાવવાની કોશિષ કરું તો ધારો કે તમને હું હાલમાં એવું કહું કે ચાલો આપણે કાંકરિયા લેક પર લટાર મારવા જઇયે હવે જો તમે હા પાડો તો ક્યાં રસ્તે થી જવું થી માંડી ને ત્યાં જઈએ છીએ તો પછી ત્યાં જઇ ને જે કરશું તે અનુભવબિંદુ માં વિસ્તરશે!! પણ એક બીજી શક્યતા કે તમે ચોખ્ખી ઘસી ને આવવાની ના પાડશો તો પછી હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે વળશો અને એક ભિન્ન વિશ્વોમાં આપણે બંને પ્રવેશી - ત્યાંની શક્યતાઓ અલગ હશે!! હવે ધારો કે એકવાત એવી પણ છે કે કાંકરિયા જોડે જવાંથી જે બાબતો સહિયારી બનવાની હતી એ હવે ન બનતા કંઈક જુદી જ બે ભિન્ન બાબતો સર્જાશે!! ખરું ને ? આમાં લોજિક ની દ્રષ્ટિ એ તો બેવ સાચું છે ,હવે આ બધાનું સીધું એક લોજીક એવું પણ આપી શકાય કે કોમ્પ્યુટર માં ચાલતા બધીજ એપ્લિકેશનોનું સંચાલન કે કંટ્રોલિંગ એક પાવર કે બેટરી  ના આધારે છે` બેટરી લો - થતા થતા જો કોમ્પ્યુટર બંધ થઇ જાય તો ?આ બધું જ એ સમય- સ્થળ- સંજોગવશ સ્થગિત થશે! પણ શું એ બાકાત થોડું થશે ? હવે પ્રશ્ન એક એવો થાય કે આપણું આ આખું જગત જે ચાલે છે એક કોઈ એક કોમ્પ્યુટરની ઉર્જા ને આધીન છે જો રમત રમત માં કોઇ બાળક શટ ડાઉન નું બટન દબાવી દે તો ? આ બધું જ સમાપ્ત થઇ જાય!! કદાચ એવું બને કે આપણે કોઇ એક પ્રયોગશાળાના ફેઈલ્ડ પ્રયોગ માંથી જન્મયા હોઈએ? યાતો ઘણા બેક્ટેરિયા એવાય છે કે જેની કોલોનીઓ છે ઈકોલાઈ કે બીજા અન્ય ઘણા .એવી જ રીતે આ આખી પૃથ્વી એક એવી કોલોની પણ હોય ? પર ગ્રહવાસીની પ્રયોગશાળામાં મૂકેલા એક પદાર્થ જેવી આ પૃથ્વી હોય કે કદાચ આડા હાથે મુકાઇ ગયેલો એક અમથો ગોળો !!આપણું હોવું ન હોવું એ અલગ બાબત છે ઝાડ અને વૃક્ષો વગેરે જે આપણે સ્થગિત માનીએ છીએ!! એ બધા ગતિ શીલ હોય ને આપણે જે ગતિશીલ છીએ એક બધુજ એક ધરીને આધીન હોય ? આપણી શક્યતાના વિશ્વ ના આપણે ગુલામ છીએ? આપણે ફક્ત એજ છીએ જે આપણે માનીએ છીએ!!દૃશ્યમ એક ફિલ્મ જેમાં આવી એક ટેક્નિક નો ઉપયોગ ક્રિમિનલ ડિફેન્સ મિકેનિઝમમાં કરે છે ?એવું ઘણું મોજુદ છે કે જે આપણા વિશ્વથી પર છે ધારો કે અત્યારે અમેરિકામાં એક ગાડી ચાલે છે પણ એની સાથે આપણે જોડાયેલા નથી? નહિતર એક પણ સફર માં છે એ પણ પોતાની નિયત સફર પુરી કરી પોતાના નિયત ગંતવ્ય પર પહોંચી જ જશે ? આપણે એ ગાડીમાં નથી એ આપણી નિયતિ છે? આવી કઈ કેટલી બધી શક્યતાઓ થી આપણે બાકાત છીએ ?સાયન્સ આપણને આવી ધણીબધી શક્યતા ચીંધે છે ને મજબૂર કરે છે આતો હતી ચા ની ચૂસ્કી મારતાં મારતાં થયેલી કેટલીક રસપ્રદ વાતો ના અંશો હજુ તો ઘણી એવી બીજી વાતો છે કે જે આપણે અન્ય શક્યતાઓ ના માર્ગ ચીંધે છે ! આપણને વિચારવા પર મજબૂર કરે છે ,જો આ સાયન્ટિસ્ટ ની જોડે આટલી શક્યતા જોવા જોવડાવાની શક્તિ છે તો હજુ આપણે ઘણું સમજવાનું જાણવાનું બાકી છે જે હજુ અકથ્ય છે માટે આજે આ વાત પર પૂર્ણવિરામ ન મૂકતા અલ્પવિરામ મૂકી મારી અલ્પતાનો સ્વીકાર કરું છું ,છે છે ને નથી નથીની દુનિયાના બેતાજ બાદશાહો શક્યતાનાં સ્વામી એવાં સાયન્ટિસ્ટોને મારા કોટી કોટી વંદન !!


આવતાજતાં સચવાતાં અટવાતાં મિત્રો ઘણાં મળે છે

આવતાજતાં સચવાતાં અટવાતાં મિત્રો ઘણાં મળે છે -ક્યારેક સાથે તો ક્યારેક હોવા ખાતર હોવા માટે હાથ તાળી વાળા તો કયારેક સામસામી વાળા તો સાડાબારી વાળા.સાવ અંગત તો કેટલાક સાવ સંગત.યાદ કરું છું એવાય ને કે જેઓ અધવચ્ચે છોડી ચાલ્યા ગયા તો કેટલાક એવાય છે કે જેઓ અધવચ્ચે આવી મળ્યા ને હજુય રહ્યા છે એવા ને એવા મિત્રો -સાથે કામ કરતાં -તો કેટલાક ફક્ત પોતાનું જ કામ કરતાં -કેટલાક એવાય છે કે જેઓ એ રાહ ચીંધ્યો ને પછી કયારેય મળ્યા નથી ને મળવાની કોશિષ સુધ્ધા કરી નથી -મને મળ્યા છે તાકાતવર -નમાલા તો ક્યારેક સવાયા મિત્રો.મને યાદ છે કે કશુંજ ન કરતા હોઈએ ત્યારથી માંડી ને અત્યારે  કંઈક કર્યા નો સંતોષ થયાં ની ક્ષણે તેઓ નથી નો રંજ છે.એનેક પ્રસંગો છે તેમના કેટલાક નેક છે યાદ છે કોલેજ કાળ માં મળેલો એક મિત્ર ઘનશ્યામ ભમ્મર જે હતો લોકશાળા ખડસલી નો જેના અન્ય મિત્રો કાંતિ માલસતર શૈલેષ ને પૂનમ કરમુર -આ એજ પૂનમ કરમુર કે જેણે મને એમ એ કરતી વખતે આઈ આર પી એમ કરવા કહ્યું ને અન્ય એક બીજા એ જયારે મ્હેણું માર્યું કે તું ગુજરાતી સાથે બી એ -એમ એ કરીને વધુ ને વધુ એક શિક્ષક ની નોકરી કરીશ !!એમાંય તારે બી એડ તો કરવું જ પડે ..એવું કહી ઉશ્કર્યો.ને જોત જોતામાં પેલા કરમુર ની વાતે હું એમ આર ની નોકરી છોડી ને ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફ વળ્યો એ ની સાથે નો પેલો શૈલેષ તો હમણાં થોડા સમય પહેલાં જ મારા આશ્ચર્ય વચ્ચે દુનિયા છોડી ગયા ના સમાચાર મળ્યાનો આજેય રંજ માતો નથી ,તો કેટલાક મિત્રો સાથે ભણતાં ભણતાં છેક વિદેશ જઇ વસ્યા.તો કેટલાક નજીક હોવા છતાં વિદેશ જેવું મળતાં રહે છે -કેટલાક દારૂની લતે થી ફરીપાછા ફરી રહયા છે તો કેટલાક નાની ગૉલ્ડ ફ્લેક પીતા બસ એટલુંજ સાયુજ્ય કેળવીને બુઝાઈ ગયેલા પણ છે કેટલાક શબ્દો સાથે મળેલા તો કેટલાક અશબ્દ થઇ ગયેલાં  છે-કેટલાક મને વાંચે છે !!પણ હોઠ ભીડી ને મને ઝંખતાંય હશે  -કેટલાક વારે તહેવારે આછું પાતળું મળી ને ફરી મળીશું ના વાયદે ખોવાયેલા પણ છે.તો વળી કેટલાંય ન મળ્યા ના રંજે છે તો કેટલાક મળ્યા હોવા છતાં ન મળ્યા જેવા છે.પણ હા મિત્રો જેવા છે એવા છે - હતા ને રહેશે.કેટલાક સફરનાં છે તો કેટલાક અફર ના છે .મિત્રો મારા વર્ષો જુના પડછાયા છે.સાથે રહેતાં તો કયારેક અંધકારમાં ખોવાતાં કયારેક નાના તો ક્યારેક આધેડવયના.પોતે બેફિકર છે એવુંય જતાવતાં કાયમ સંભાળ રાખતાં એવાં સાંધા જેવા તો કયારેક વાંધા જેવાં મિત્રો મારે સરઆંખો પર !!વિદેશ માં સેવઉસળ ખવડાવતા તો દેશમાં મેક્સિકન ટાકો ખવડાવતાં એવા મિત્રો જેવાં છે એવાં મારા પોતાનાં છે આ બધા મિત્રો!!

Monday, August 6, 2018

ચૂકવાતી મોટી કિંમત કરતાં ચૂકવવાની બાકી રહેલી નાની રકમનું મૂલ્ય વધારે હોય છે -લોકાભિમુખ 5

આજુબાજુમાં બનતી ઘટનાઓ ઘણું બધું શીખવે છે.પણ જીવન જીવતા શીખવે છે ,પગાર પડે કે બેંક નો એસ એમ એસ આવે!!થોડીવારે મારી કેબીન માં એક વર્કર મારી પરવાનગી લઇ ને પ્રવેશે.મેલો ઘેલો હોય.મહેનત ની સુગંધ હોય.ને પહેલું જ વાક્ય સાહેબ મારા પગારમાં ભૂલ છે ? હું પહેલા તો એને બેસાડું.પાણી આપું ને પછી પૂછું શું ખાઈશ ? ને એ વાત માંડે સાહેબ તારીખ 12મી એ કન્ટેનર હતું.મને મારા ફલાણા સાહેબે 2કલાક રોક્યો હતો -હું કહું હા તે ? એ બે કલાકના પૈસા નથી જમા થયા ? ને પછી હું વિચારું કે આખા મહિનાનો સેલેરી બરોબર છે એનો એને આનંદ નથી ? પણ બે કલાક ના રૂપિયા જમા નથી થયા એનો કેવડો મોટો રંજ છે ?હું તરત ગણતરી કર્યા વગર એને પૂછું છું કેટલા છે? ને એ મને કહે છે એક રકમ -હું એના દેખતાં કશુંજ ચેક કર્યા વગર એને મારા પાકિટ માંથી એ રકમ એનાં  હાથમાં મુકું છું ને તરત જ એ ત્યાંથી એકદમ સભર બની , હસતો હસતો નીકળી પડે છે.જાણે આંખોથી આશીર્વાદ આપતો હોય એ રીતે...પણ પછી હું વિચારે ચઢું છું -કદાચ એ રૂપિયાથી પોતાનાં દિકરા માટે નવો કંમ્પાસ ખરીદશે કે પોતાના વૃદ્ધ મા - બાપ ના ચપ્પલ -કે કંઈક બીજુ ? નાનામાં નાની બાબત કદાચ મોટામાં મોટી રીતે અસરકારક નીવડે એવું બને?ચૂકવાતી મોટી  કિંમત કરતાં ચૂકવવાની  બાકી રહેલી નાની રકમનું મૂલ્ય વધારે હોય છે એવું સમજાવતો આજનો આ પ્રસંગ મારા માટે અમૂલ્ય છે ,લોકાભિમુખ માં આ વખતે ફક્ત આટલું જ -ફરીવાર પાછા મળીશું કો'ક નવા પ્રસંગે ત્યાં લગી-સ્વસ્થ રહો વ્યસ્ત રહો -મસ્ત રહો 

Wednesday, August 1, 2018

હું ન લખું ને તો કઇ જ ન લખું પણ લખું તો પછી આવું પણ લખું!!લોકાભિમુખ 3

મારી જોડે હું સૂતો છું ખાટલે .એ પહેલા મળ્યો હતો આયને.લાગતી વાર ઘડિયાળના કાંટા બની ખસે છે.બંધ બારી જોઈને વિચારું છું કે એ જાતે ખૂલે તો? પથારી પર ચાદરની સળ જમીન પર ભૂસકો મારી કૂદી પડે છે !!ગલીપચી કરતી છીક હ્ચમચાવી ગાયબ .ગઇકાલ ની રાત નો એક રેફ્રન્સ યાદ આવી જાય છે.મારા પપ્પા મારી મમ્મી ને ખૂબ મારતાં એ અટક્યા વગર બોલ્યો .એણે એના સપનાનું ખૂન કેવી રીતે કર્યું એ કહ્યું ને પછી એની પર શુ વીત્યું ની વાત માંડી ને કરી એણે શું કિંમત ચૂકવી થી માંડી ને એનાં મોટાભાઇ એ એની પત્ની ને લાફો માર્યો સુધીની વાત એ એક જ શ્વાસે કરી ગયો.પછી એ બોલતો ગયો ને હું સાંભળતો રહ્યો.આ બધામાં એક વાત એ હતી કે એ કંટાળેલો હતો પણ થાક્યો નહોતો.થાકેલો હારવાના પડાવે ઉભો હોય પણ કંટાળેલો ક્રિયેટિવ ન હોય એ પોતાના સપનાઓ કોપી પેસ્ટ કરવા ટેવાયેલો હોય તેનામાં આશા હતી-એ પોતાના સપનાઓ પોતાનાં દીકરામાં પૂરા કરવાં તત્પર હતો.એને મન સફળતા યાને ઘરમાં મોટા મોટા લોકોની અવરજવર હતી -એ પોતાના સપના પોતાના દીકરા વડે પૂરા થશે ની આશા એ જીવતો હતો.મારો મિત્ર છે નામની જરૂર નથી પણ હા મેં એનામાં જીવન માટેનો તલસાટ જોયો આ ક્ષણે મને એનાં જીવન ને જીવી જવા કરતાં એ શેષ વધેલા જીવનમાં રંગો પુરવા માટે નો અભિગમ ગમ્યો.સામાન્ય બાપ જેવી જીજીવિષા ધરાવતો એ મિત્ર એક વિશેષ અને અલાયદુ જીવન જીવવાની મહત્વાકાંક્ષા ધરાવતો ઇસમ લાગ્યો!! મને લાગ્યું કે જીવનમાં સળંગ સુખ કે દુઃખ નથી હોતું - એના નિયત ચોસલા હોય છે જે પસાર કરવાના હોય છે; જોકે આ બધાં આપણે કયારેય કન્ફુઝ નથી થતાં શું ?એકલા પડ્યા પડયા આવા વિચારો આવ્યા કરે !! વિચાર આવે ને વિચાર જાય બધાના જીવનમાં આવા તબક્કાઓ આવે ને જાય!! એને આપણને મળેલા એકાંતમાં આમ વાગોળવાની જરૂર નથી પણ હા એટલું ચોક્કસ કહીશ કે હું ન લખું ને તો કઇ જ ન લખું પણ લખું તો પછી આવું પણ લખું!!લોકાભિમુખ માં આવા પાત્રો પણ મળે છે.ગોખેલું બોલતાં બોલી બોલી વાગોળતાં!!.પોતિકું ખોલતાં ને ક્યારેક ખાલી થતાં ; તો ક્યારેક પોતાની સાથે મને ભરતાં. ક્યાંક  કથાઓ છે ;ક્યાંક વ્યથાઓ!! તો એકાંત માં ભરચક સંવેદનાઓ પણ છે.સફર ના મુસાફરો આવે ને જાય મારામાંથી કંઇક લેતા હોય કે પછી મારામાં કંઈક ભરતાં પણ હોય એવાં !! ખરું ને ??