Sunday, October 14, 2018

પહોંચી શકાય પણ...નીકળી શકાય નહીં...!!

દીવાલોને પણ કાન હોય છે.એ ઉક્તિ આજનાં સંદર્ભે પોકળ સાબિત થાય.આજનાં યુગમાં બધીજ વાતો ખાનગી બની છે !!મોબાઇલ થકી બધીજ વાતો કાનમાંજ થાય છે !પ્રસંગો બનવા જોગ બધાંજ જાહેર ફેસબુકિયા છે.આ બધામાં કોક પ્રસંગ એક તરફી બને છે.જોકે એની ખબર મને કાનોકાન પડે છે.સાંભળેલી વાત છે.આજે વહેંચું છું.બન્યું હતું એવું કે...એક મિત્ર આવી મારી પાસે એનું હૃદય ઠાલવે છે!!એની સંમતિ થી વાત માંડું છું..કોક ઠેકાણેથી નિશ્ચિત જગ્યાએ એક અપરિચિત ફોન રણકે છે ..હલો બોલતાં સામેથી સીધો જ પ્રસ્તાવ મૂકાય છે 'મારે તને મળવું છે !!'આ  બાજુથી પૂછાય છે...અર્થાત ?સામેથી બીજું વાક્ય 'મારે તને પહેલાં જેવું વળગવું છે !!આશ્ચર્ય એ ક્ષણે સીધાજ ચૌદ વરસ પહેલાનાં સંબંધોનું એક જાળું ફરી ઉકેલાય છે .. આટલાં વર્ષો કયાં હતી ?આ પ્રશ્નથી એ જૂનો પરિચય સીધોજ સમય રૂપી અરિસાનાં બિંબ પર સ્પષ્ટ ઝીલાય છે...ને કાળ ની ગર્તતા માં ફંગોળાયેલો એક પ્રસંગ સજીવન થાય છે...  
મિત્રનાં કેટલાક સવાલો છે... શું મારે એને મળવું જોઇએ ?મેં કહ્યું હા પણ જાહેર સ્થળે...અમે શું વાત કરશું ?મેં કહ્યું વર્તમાન ની ...એણે મને પૂછ્યું પણ એ ભૂતકાળની વાતો કાઢે તો ?મેં કહ્યું તારે તો એને કહેવાનું કે સમય વિતી ગયો છે એની વાતો થી આપણે બન્ને દુઃખી થઇશું ? તો પણ એ મને મારી ભૂલો બતાવે તો ?મેં કહ્યું સ્વિકારી લેવાની...પછી એ મને માફ કરી દે ને બધું ભૂલી ને ફરીથી પહેલાં જેવું જોડાવાનું કહે તો ?તો તારે એને કહેવાનું કે હું મારા સુખી સંસારને વિખેરવાં નથી માંગતો...અને તું પણ એવું ના કરીશ એવું કહેવાનું...જો છતાં એ જો ના જ માને તો ?તો તારે એને કહેવાનું કે તું જે રસ્તે ચાલવાનું કહે છે એ રસ્તે આપણે પહોંચી તો  શકીશું પણ આ બધું છોડી ને નીકળી નહીં શકીયે...!!હું  માનું છું કે પ્રેમ માં જો સફળ થવું હોય તો એક ટકો જ પ્રેમ જોઇએ નવ્વાણું ટકા હિંમત જોઇએ...!!જયારે મારા મિત્રનું માનવું એમ છે કે પ્રેમમાં સમય નહીં પણ તીવ્રતા જરૂરી છે...!!જોઇએ હવે કોણ ખરું ઉતરે છે ?હું -મિત્ર કે એની પ્રેમિકા..? 
મારી સલાહથી પ્રેરાઇ ને એ કદાચ એને મળશે તો  ખરો પણ એને સમજાવી શકશે ખરો?તમારું મંતવ્ય જણાવો ...?  


Thursday, October 11, 2018

ખાલી જગ્યા પૂરો ...

 

એ વ્યક્તિ નું નામ લખો __________કે જેણે વિન્ડો શોપિંગ કરી ને પોતાની પત્ની ને કહ્યું કે પ્રિયે આપણી પાસે આમાંની એક પણ વસ્તુ નથી છતાં આપણે બન્ને કેટલાં બધાં ખુશ છીએ !! શિક્ષકો પાસેથી ઘણું શીખ્યો છું.જીવનનાં પાયાનાં સમીકરણો -વર્ગીકરણો -જોડકાં જોડો-સાચું કે ખોટું - કારણ આપો -ટૂંક નોંધ લખો વગેરે શીખવીને ડુઝ ને ડોન્ટ્સ શીખવ્યા...આજે એવું થાય છે કે જો તેઓ ન હોત તો ??જીવન ની સાચી રાહ ન જ મળી હોત !!ખેર વાત જાણે એમ છે કે તેન તક્ત્તે ન ભૂંજિથા જેને આપણે "તું આપી ~ત્યજી~ને ભોગવ" એવું ઓળખીયે છીએ એ બાબત હવે સમયાંતરે સમજાય છે .

 

ચાલો આપ એવું ધારો કે એવું બને છે કે એક રસ્તાની લારી પર નાના મોટી સાઈઝવાળા ચાંલ્લાનાં પેકેટ, બક્કલ, બોરિયા, લાલ કાળી રીબીન,સેફટીપીન, મહેંદીના કૉન વેચતી એક સરસામાન્ય લારી. લારી  ને એમાંથી તમારી પત્ની પોતાની ખરીદી કરવાનું પસંદ કરે છે પ્રસાધનના સાધનો ખરીદે છે.ને તમે ચાહો તો એમને રેવલોન કે એલ 18-લેકમે જેવી બ્રાન્ડ પણ ખરીદાવી શકો  પણ, એને તો પેલી રસ્તાની લારીમાંથી બોરિયા ને હેરપીનો લેવાનો ઉમળકો જાગ્યો તો કોઈ શું કરે ? એમને મન કોઈ બ્રાન્ડ કરતાં પણ,સહુથી મોટી વાત કે એ સૌંદર્યના પ્રસાધનો ખરીદે… તમે એની જોડે હોવ એ એનો મનોરથ છે…તમે એની સાથે છો એનો  એમને  આનંદ લૂંટવો છે. આ જગાનો અહેસાસ સમજવો જરૂરી છે. જુઓને આ કેવું રહેશે ?ને તમારું “ઠીક છે”,-“સારું છે”, કે પછી “તને ગમે તો લઈ લે, સરસ લાગે છે..!” 

 

કાયમ પ્રાઇસ કરતાં વેલ્યુનું મહત્વ મોટું જ રહ્યું છે.હવે તમે જો કોઈ મૉલમાં જાઓ છો તો અનેક જગ્યાએ તમારું ધ્યાન હોઈ શકે! તમે મેન્સવેરમાં ફાંફા મારો યા તો પછી એક છોડીને બીજું જુઓને વગેરે વગેરે. ધ્યાન ભટકાવવાનાં ઘણાં પરિબળો આજુબાજુ મોજૂદ હોય. પણ, એ રસ્તા પરની સિનર્જી જેવી લારી પર મળતી નજર સામેની ચીજ વસ્તુઓ ખરીદતી વખતે તમારું એમનાં તરફનું સતત રહેતું ધ્યાન એ મુખ્ય બાબત છે.. અરે એ અરીસો નથી શોધતાં એ તમને પૂછીને તમારા ચહેરાનાં ભાવો પરથી નક્કી કરે છે કે એમને એ કેવું લાગે છે.જેટલાં પ્રસાધનો વધુ એટલી તૈયાર થવાની વાર વધુ!!એમને સાધનમાં રસ ને આપણને એ જેવા છે એવાં પણ, મારા છે ને ? એ બાબત માં બધુ આવ્યું.

 

જોકે આ મોડા સમજાયું કે વ્યકિત ને વાપરવાનો આનંદ કરતાં વપરાયાનો આનંદ વધારે લાંબો ટકે છે.સાક્ષી ભાવ શોપિંગ સાથે જોડાય છે- ત્યારે મજા તો એ બાબતની પડે છે કે એ પછી જેટલીવાર એ વસ્ત્રો આભૂષણો ધારણ કરે તેટલીવાર એ કેવું છે... એના કરતાં એ કોણે અપાવ્યું છે? એ બાબત નું જ મહત્વ વધારે રહે છે.

 

 

પરફ્યુમ ની ખાલી બોટલ-મેકઅપ નું બોક્સ -ડેરી મિલ્કનું રેપર-ફ્રેન્ડ શીપ બેલ્ટ કે અન્ય આપણાંથી ધારીએ તોય અળગાં થતાં નથી!! કે આપણે અળગાં કરી શકતા નથી!! એનું એક માત્ર કારણએ બીજું કઇ નહીં પણ સામે વાળાનો સાક્ષી ભાવ છે.છૂટાછેડાનાં કિસ્સાઓમાં સામસામે ની લેવડ દેવડનું કારણ  માત્ર જેતે ની સાથે જોડાયેલી યાદો નાં માળા ને વિરખેવા માટે જ વડીલો એ જોડ્યું હશે !! પણ જો પ્રેમપૂર્વક લેવડ દેવડ વગર જો આ બાબત બને તો??આ બધાંનું થર હૃદય ના એક ખૂણે ઘરબાયેલું પડી રહે છે.રૂજાયેલો કો ક ઘાવ સતત એ પડ્યાં ની પ્રતીતિ કરાવતો રહે છે એ વીતેલા સમયની...!

 

 

જીવન ક્યારેય અટકતું નથી ખાલી જગા પૂરાતી જાય છે -સમીકરણો બદલાય છે -જોડકાં જોડાય છે ને અંતે ખરું ખોટું સમજાય છે ને ટૂંકનોંધ પછી કોઇ ક્યારેક આવી પૂછી જાય છે કારણ આપો !! ને રચાય છે એક ખાલીજગા ..!! એક ચિત્રકાર કવિ એમ બેવ સંજ્ઞા ઉકેલતાં મિત્ર પિયુષ ઠક્કરની એક ઊર્મિ કવિતા 60ml cheers પર તરતી મુકવાનું મન છે...પહેલાં આપણે ખાલી જગા જોઈ ને પછી એ જગાને ખાલી થતાં જોઈ..!!

 

Tuesday, October 2, 2018

શક્યતાનાં દ્વારેથી પાછુ ફરવું એટલેકે...

મારા એક વડીલ મિત્ર છે.જે અવારનવાર મને લઘુ કથાઓ સંભળાવતા રહે છે.જીવનમાં ક્યારેક એ કામ લાગે છે.અનુભવ નું ભાથું બંધાય છે.લોકોની ભૂલો પરથી શીખવાનું ઘણું મળે છે.એમણે મને એકવાર જે કહ્યું હતું.. ત્યાંથી વાત માંડું છું -એકવાર એક જણ ભગવાન શોધવા નીકળ્યો.ગામે ગામ ફરે-ઘરે ઘરે જાય!! દરવાજો ખખડાવે દરવાજો ખૂલે એટલું પૂછે ...ભગવાન અહિયાં રહે છે? -'ના' નો જવાબ મળતાં બીજે ઘેર.આમ કરતાં કરતાં દિવસો -વરસો દાયકાઓ વિત્યા પણ એની શોધ ચાલુ રહી.દીવાનો હતો એ -પાગલ સમજી લો!!પણ, હા એનામાં શ્રદ્ધા હતી કે ક્યારેક તો એને ભગવાનનું ઘર મળી જ જશે!!છેવટે એ વૃદ્ધ થયો.ને અંતે એકવાર એવું બન્યું કે એના મૂકામ પર એ પહોંચી ગયો.એ એક એવાં દ્વાર પર પહોંચી ગયો જેની બ્હાર લખ્યું હતું કે ભગવાનનું ઘર!!-એ નાચવા માંડ્યો!!એ દરવાજા પર ટકોરા મારવાં જતો જ હતો ને એનાં મનમાં વિચાર આવ્યો કે જો આ ખરેખર ભગવાનનું જ ઘર હશે... અને ભગવાન પોતે દરવાજો ખોલશે ને પછી...પછી હું શું કરીશ ?ને એ ત્યાં અટકે છે ને પાછો ફરે છે.
આટલા સંદર્ભે મારી વાત શરૂ થાય છે.એક મિત્ર જે થોડાં સમય પહેલાં એન્ગેજ્ડ થયાં...!! પછી મા -બાપની મેરેજ ઠેલવવાં ના કારણે બેવ જણે કંટાળીને લગ્ન કરી નાંખ્યા!! બેવની સેલરી બતાવીને સહિયારો ફ્લેટ લેવાનું નક્કી કરે છે કોઈ કારણે આ યોજના ઘોચમાં પડે છે... ને ઈગોઇસ્ટીક બન્ને તરફી મા -બાપ નાં ઈગો ઘવાતાં એ કોર્ટ માં કરેલા લગ્ન ને ફોગ કરવાનો વારો આવે છે.બેવને એવો દિલાસો આપવામાં આવે છે કે સમયાંતરે તમારા લગ્ન ધામધૂમ થી કરાવી આપીશું !! પણ બેવને ખબર છે કે ભરોસાની ભેંસ પાડો જણવાની છે.
બન્ને ને ઇમોશનલી અત્યાચાર કરીને ડિવોર્સ પેપર પર સાઇન કરવાની ફરજ પાડવામાં આવે છે.છોકરાપક્ષે સાક્ષી બનવાનો મારો વારો નીકળે છે મારા લાયસન્સ ની ઝેરોક્સ સાથે મારે જવાનું થાય છે અને રસ્તામાં મારે છોકરાં સાથે એ વાતે ચર્ચા થાય છે કે... જો દોસ્ત પેલા લોકો બોલાવે અને તું સાઇન કરી નાખે એ વાતે આપણે સમંત નથી...!!આપણે એ ન ભૂલવું જોઈએ કે ધાર્યું તો ધણીનું જ થાય.એન્ગેજમેન્ટમાં બે વ પક્ષો હાજર હોય ને છૂટા પડતી વખતે ફક્ત હું ને તું એ બાબત સાવ ખોટી!!.મનમાં એનાં ધમાસાણ ચાલતું હતું.આમેય આપણને કોઇના 'છૂટા' પડવાનું નિમિત્ત બનવાનું આવે એ ઓછું સદે!!છેવટે એવું બને છે કે પેલો મિત્ર-છોકરી અને છોકરીવાળાઓને તાબે થતો નથી.સાઇન કરતો નથી ને અમે બન્ને ત્યાંથી પાછા ફરીયે છીએ. 
બે ત્રણ દિવસ પછી આ બધું જ આકાર પામે છે બેવ પક્ષ ના વડીલો ની હાજરીમાં જે ખરેખર થવું જોઈતું હતું એ ન થતાં દોઢ વરસ બાદ બન્ને જણ માત્ર વડીલોના વાંકે છૂટા પડે છે!! ને એ બાબત પર પડદો પડે છે...પણ મને એક પ્રશ્ન એ મૂંઝવે છે કે આ મોટેરાઓ સમજીને જો આ લોકોને બહાલી આપી હોત તો??...શું ફેર પડતો ?
છોકરાનું કહેવું એમ છે કે જો લગ્ન પહેલાં આ બધા મને આમ દબડાવી જાય તો લગ્ન પછી તો મને ઘર જમાઇ ન બનાવે એ વાતમાં તો કોઇ સંશય જ નથી -જે થયું એ સારું થયું -જો દરવાજો ખૂલે ને ભગવાન પોતે આવીને કહે કે બોલ શું કામ હતું ? તો પછી હું શું કરું એના કરતાં તો આમ પાછાં ફરી જવું વધારે સારું !! ટાઢે પાણી એ ખસ ગઇ નો ઉત્સવ ઉજવો..બે ના હ્નદય ઘવાયા છે -બંને ફરી મળશે કે કેમ? એ સવાલ છે.. પણ અત્યારે તો પોત પોતાના ઘરે છે દોઢ વર્ષ જોડે ગાળ્યાં ના સંભારણા સાથે.