Thursday, December 27, 2018

સ્વર્ગોત્સવ

સ્વર્ગવાસી શબ્દ હવે વાસી થયો હોય એવું લાગે છે.સ્વર્ગારોહણ શબ્દ જોડે જોડાયેલી કાયાવરોહણ ની વાત સૌ જાણે જ છે -ત્રીશઁકુ અને વિશ્વામૈત્રી ઋષિ કે જે એક માત્ર ક્ષત્રિય હતાં.પણ આજ વતપ્રદની અત્યારની એટલેકે 2018ની વાત કરું છું.મારે એમની સાથે મનદિલીનો નાતો છે એવા અમારા એક વ્હાલા સગાં અતુલભાઇ પંડ્યા ના પિતાજી સુર્યકાન્ત રમાશંકર પંડ્યા 13/12/2018નાં રોજ બ્રેનડેડ જાહેર થાય છે.આ બાબત ઘરનાં અન્ય એક શુભ પ્રસંગ ને દયાને રાખીને બીજા દિવસે જાહેર કરાય છે.અહીં થી શરૂ થાય છે શુભાશુભની હારમાળા.આપણી ગુજરાતી ભાષામાં જતાંને આવજો કહેવાનો અનેરો ઉપક્રમ છે.આવજો એ જવા વાળા માટે ફરી મળવાનું ઇજન છે.એમનાં જ મિત્ર પ્રહર્ષ મહેતા ના શબ્દોમાં કહું તો "અતુલ એ માત્ર જન્મે નહીં કર્મે પણ સવાયો બાહ્મણ છે"પોતાનાં પિતાજીનાં આ પ્રસંગ ની તૈયારી ના ભાગરૂપે એમની ઇચ્છાનુસાર ની સામગ્રીઓ એકઠી કરી વાસ્તવિકતા નો સહર્ષ સ્વિકાર કરનાર આવો દિકરો આજનાં યુગમાં મળવો શક્ય નથી.જાણેકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ને ફોલો કરતાં હોય તેમ એમની બને એટલી બધી જ ઈચ્છાઓ પૂરી કરી એમને આવજો કહેવાનો પ્રસંગ ઉજવવા માટે મન માં કેવી લાગણી સાથે બધી તૈયારીઓ કરી હશે ? શોક કે વિષાદ નહિ પરંતુ પ્રાર્થના ઉમેરાય.દીકરીની વિદાય હોય તો ભીંતે કંકુથાપા હોય પરંતુ બાપ ની વિદાય વખતે એમનાં કંકુ પગલાં લેવાય !!આ પ્રથા નવો ચીલો ચાતરનારી છે ! સી ઑફ ને સોરો ફૂલ નહીં પરંતુ જૉયફુલ બનાવવાની વાત છે.13માની વિધિમાં જયારે દર્ભની વીંટી પહેરીને પિંડ વ્હોરવાનો પ્રસંગ આવે છે ત્યારે ભલભલા ના કાળજે કંપારી છૂટે છે એવાં પ્રસંગે સગાં વ્હાલાઓને આલિશાન હોટલમાં મિજબાની આપીને પોતે ઋણમુક્ત થતાં આ જીવને સો સલામ...એટલું જ નહીં ત્યાં પણ પછી પ્રાર્થના નો એકધારો ઉપક્રમ જોડાય એ નાની સૂની વાત નથી.આગામી દિવસોમાં આ સ્વર્ગારોહણ ની પુર્ણાહુતી પણ સંગીતની સંધ્યાથી કરવાનો ઉપક્રમ યોજવાનું વિચારી રહ્યાં છે.અંતે એટલું જ કહીશ કે ધન્ય છે એમને કે જેમણે આવા સંસ્કારોનું સિંચન કર્યું. 

        

Friday, December 14, 2018

સહકુટુંબ


"શાગટમ્"આમંત્રણનું કહેણ ગામડામાં ગોંયજો આવી આપી જતો.સમયાંતરે કંકોતરીમાં ઘરનાં મોભીનું નામ અને પછી -સહકુટુંબ લખવાનો રિવાજ અત્યારે forwarded message નાં જમાનામાં Traditional માનવામાં આવે છે.હશે અે જૂની વાત !!પણ,ફોટોગ્રાફીમાં આ વિષયને અનુલક્ષીને વડોદરા મુકામે જેતલપુર રોડ પર આવેલ પી.અેન.ગાડગીલ શો રુમની ગેલેરી માં "સહકુટુંબ"ના ફોટોગ્રાફસનું પ્રદશૅન છે.પડિયા પરિવારનાં મોટાભાગનાં બધાં ફાઇન આટૅસ્ નાં જ કલાકારો છે.તદુપરાંત અન્‍ય બીજાઅોની આ વિષયને અનુરૂપ છબીઓઅે નોખી ભાત ઉપસાવી છે.ક્યાંક ઝાકળબિંદુઅોનો સમુહ પરિવાર બનીને રચે છે "સહકુટુંબ"તો ક્યાંક માટીનાં વાસણો,પંખીઅોનું સાયુજ્ય તો અે.સી.નાં આઉટડોર યુનિટ,સાંકળનો સમુહ ,બિયરની બોટલનું રસોડું ,કે પછી કાગળની રંગબેરંગી હોડીઓનો સમુહ રચે છે "સહકુટુંબ"ની આભા.તા.૨૦ ડિસેમ્બર ૨૦૧૮ સુધી ખુલ્લું રહેશે આ પ્રદશૅન.આ તો હતી પરોક્ષથી પ્રત્યક્ષ થવાની વાત !!
આ વિષયમાં જેમ રોટલીમાં અટામણ ભળે અેવી જ રીતે ઉમેરી લઉં મારું અંગત.મારું આખું "સહકુટુંબ" ગઇકાલે જોવા ઉપડ્યું રજનીકાંતનું ૩ડી મુવી ૨.૦.જેમાં ૯૨ વરસનાં બા થી માણી ૯ વરસને ર મહિનાનો ભવ્ય સુધીનાં બધાં જ જોડાયાં "સહકુટુંબ".જે જીવાય છે અે લખાય છે!!આમ આખો ઉપક્રમ બની જાય છે મનોરથ.

Tuesday, December 11, 2018

અફસોસ

સવારે સંભળાતો પંખીઅોનો કલરવ.રંગબેરંગી પતંગિયા .ખળ ખળ વહેતાં ઝરણાં.પવૅત પાછળથી ઉગતો સૂર્ય .લીલોતરી આચ્છાદિત બાગ.ઝાડની ડાળખીઅો માંથી ચણાઇને પડતાં સૂર્યનાં કિરણોની રંગોળી.હિમ્માચ્છાદિત પવૅતો પરથી પરાવર્તિત થતો ચમકીલો પ્રકાશ.કલરવ.કયાંક પિટાતી દંાડીનો અવ્વાજ..વાંકા ચૂકા રસ્તે જંગલમાં લઇ જતી કેડીઅો જે આગળ જતાં જંગલ બની જાય.
આકાશમાં ઉડતી ચાઇનિઝ પતંગો.કયાંક જૂનાં જમાનાની કલમ શાહી બોળેલી .પીળા પડી ગયેલાં પાના.આ બધાની વચ્ચે આવે છે અેક નોટીફિકેશન ડોક્ટરની અપોઇમેન્ટનું!!
ગઇકાલે રાત્રે આવ્યું હતું અેક સપનું જેમાં હું ચિતા પર સૂતો હતો.બધાં યથાશક્તિ રડતાં હતાં .કોઇઅે મારો હસતો ફોટો મૂક્યો હતો.અેની નીચે ભૂલમાં દબાયેલી લાઇકની વચ્ચે RIP ના મેસેજ નો ખડકલો હતો.જોતજોતામાં મારા મોઢામાં આગ મૂકાઇ ને હું લાકડા સાથે ભડભડ .ઉંધમાંથી જાગી જવાયું .મેં પાણી પીધું ને પાછો સૂઇ ગયો.સવારે ઉઠીને ગુગલ પર ચસૅ કર્યું તો સ્વપ્ન સંકેતમાં લખ્યું હતું congratulations!!તમને ખબર નથી કે તમારો નવજન્મ થયો છે.ગઇકાલ સુધીમાં જે થયું હતું અે બધું પેલી જ્વાળાઅો ખાક થઇ ગયું છે.celebration time તમે તમારા નવા જન્મદિનને ઉજવો!!.જૂનું બધું ભૂલી જાવ જિંદગીઅે તમને સ્વપ્ન સંકેત ધ્વારા નવું જીવવાનો મોકો આપ્યો છે.
આ બધું જ બન્યું છે તમારા કોમ્પ્યુટરની સ્ક્રિન પર બદલાતાં દ્વશ્યો થકી.બધાં જ વોલપેપરો અને રિંગટોનનાં અવાજો હતાં .કશું જ ક્યાં વાસ્તવિક હતું !
આમાંની અેકપણ વાત સાચી નથી નાતો કુદરતી દ્વશ્યો ના તો પેલું જોયેલું સપનું!!માત્ર આ બધામાં સત્ય છે તો પેલું સૂઝ કરેલું નોટિફીકેશન ૧૨.૩૦ની ડોક્ટરની અપોઇનમેન્ટ.જેનાં થકી નક્કી થવાનો છે જીવવા માટે લેવી પડતી દવાઓનો ડોઝ.ટચવુડ-ટચસ્ક્રિન!!
 "ચાલો હવે શું વિચારો છો?ચ્હા નથી પીવી?યાદ છે ને આજે ડોક્ટર ની અપોઇનમેન્ટ છે!!"

Tuesday, December 4, 2018

સરનામું કુતૂહલ .

કેટલાંક એવાં સ્થળો હોય છે કે જ્યાં વારંવાર ગયા પછી આંખોનું વિસ્મય ઓસરી જાય.આ વખતે પરિક્રમામાં એવું બન્યું!!.
આ નદીમાં પગ બોળી ને આપણે વાતો કરતાં'તા !!
વ્હેણ કયારે એ બદલાયું કોણ જાણે કેવી રીતે ??
અર્થાત વાત જાણે એવી કે જે વિસ્મયો આંજી ને ગયો હતો ત્યાં-દુષ્કાળ ના કારણે નિરાશાઓ સાંપડી.અમૂક અંતરે આવતાં ઝરણાં ગાયબ હતાં -કાચા રસ્તા પર કોંક્રિટનો વિકાસ પથરાયો  હતો.જો કે આનંદ એ  વાતનો હતો કે આ વખતે અનાયાસે એક એવાં અદભૂત વ્યક્તિનો સંગાથ થયો કે જેણે આખી સફર યાદગાર બનવી.એમણે  આ પરિક્રમા જીવનમાં પ્રથમવાર કરી પણ મારી અનુભવની આંખે- જે હતાં મારા હમઉમ્ર -હમસફર -કેયૂર પંડ્યા - જે જમાઇનૂમા દોસ્ત છે.અમે બેવ જાણે તા 17મી નવેમ્બરે 2018 વહેલી પરોઢે પરિક્રમા શરૂ કરી ને વ્હેલી સાંજે પૂરી કરી.એકમેક ના હાથ અને સાથ નું પરિણામ. કાશ્મિરી બાબાની જગ્યા એ જવાની ઇચ્છા બાકી જ રહી.જોકે કાફિરે પૂરતા પ્રયત્નો કર્યા પણ હરિઇચ્છા સર્વોપરી -સવારે બહુ વહેલા હતા જયારે સાંજે ત્યાંથી આવતાં મોડું થયાની સંભાવના હતી.જાણકારો એ એવું કહ્યું કે ત્યાં રાતવાસો શક્ય નથી!!
સવારની સાંજ થાય છે પરિક્રમા અત્યારસુધી કરેલી પરિક્રમાનાં કુલ સમય કરતાં ઘણી વહેલી પૂર્ણ થાય છે.મને વચમાં એક ભજનિક મળે છે પોરબંદરના દિનેશ ભારથી મહારાજ કે જેઓએ વાતની શરૂઆત એ વાક્ય થી કરી કે સાધુ માટે "ભજન અને ભોજન "કરવું આવશ્યક છે -તેઓ તેમના ગુરુ પાસેથી સંતવાણી શીખ્યા તેમની આ ત્રીસમી પરિક્રમા હતી.તેમના માબાપ અને ગુરૂની સાથે આવતાં હતા પાનબાઇ -કબીર -અને સુરેન્દ્રનગરના દેવાત પંડિતની તેઓ એ સંતવાણી સંભળાવી ને ન્યાલ કર્યા.તેમને મનદિલી થી માણ્યાં..!!
છતાં વિસ્મયની આંખે કુતૂહલનું સરનામું નહોતું જડ્યું.પરિક્રમા પૂરી થવામાં બે કિલોમીટર બાકી હતાં ને નેટવર્ક માં પ્રવેશતા સૌથી પહેલો ફોન આવ્યો પૂનિત કરમૂરનો.મારો કોલેજીયન યાર.હાજરાહજૂર એકદમ દાતર જેવો.ખડે પગે.દાક્તર ઉર્વીશ વસાવડાને પ્રથમવાર રૂબરૂ મળવાનું મન કવિતા ડોટ કૉમ માં એમની મને ગમેલ  ગઝલ
 "એકવેળા જે મળ્યો એવો જ પાછો ના મળે ,
શબ્દકોષોમાં સમયનો અર્થ સાચો ના મળે "
નો આસ્વાદ કરાવ્યો ત્યારનું હતું ગયાં વર્ષે તેઓને મારુ આ પુસ્તક મળતાંની સાથે જ તેઓ એ સૌજન્યમાં એમનાં બે પુસ્તકો મોકલ્યાં હતાં.-જેઓને ક્લાસિકમાં સઘન માણ્યાં હતાં -તેઓથી આફરીન હતો.ફોને ઉમળકાનો ટહુકો થયો.એક અલગારી જીવ-મારી પરિક્રમાનું અંતિમ ચરણ -ઉર્વીશ વસાવડાની આશીર્વાદ એક્સરે કલીનીકની જગ્યા -કોઇ સંત ના આશ્રમની ફિલિંગ આવે.લેપટોપમાંથી ગઝલ ફૂટે એક પછી એક ને કેવો અદભૂત શેર મળે !!
"શિશુ માફક ઉભો છું હું સ્મરણના ખેલમાં આજે 
બહુ મીઠી પીપર છે ને ચગળવાનીપ્રતિક્ષા છે "
એમની સાથે લલ્લેશ્વરીના વાખથી માંડી ને રૂખડ સુધીની વાત કરાય એવી રેન્જ નો માણસ.પિકાસોની સ્વેત ચાદર થી માંડી ને રાબિયા સુધીની વાતની મજા લૂંટી શકાય..એમની આંખે મીઠી પીપર ચગળવાની પ્રતિક્ષા ને ચ્હેરા પરનું સ્મિત જે માણે એ જાણે !!