Monday, November 5, 2018

પોઝેટિવ ધોળીચૌદસ

આવતીકાલે આપણે આપણાં પડછાયા માં પરકાયા પ્રવેશ કરશું. કાળની ચૌદસ છે.કજિયા કંકાસને કાળી મેશ નું ટપકું કરીને કહેવું છે ગુડબાય.પેલા જૂના વેરઝેર ભૂલીને જોવાં છે દૃશ્યો નવાં ચશ્મે.મેશ આંજીને દૃષ્ટિમાં તેજ આંજવું છે.કુંડાળાં ને કૂદી રચવું છે નવું સીમાન્તર.વડા વચ્ચે કાણું કરીને ઉઘાડવી છે શક્યતાની બારી.સમય ને બાંધી કેદ કરવો છે બાટલીમાં ને જીન ને કહેવું છે કે દોસ્ત તું જા મુક્ત છે તું...!!તેતર ઘુવડ ચીબરી ને બજરીગરની કક્ષા એ મૂકીને એમની બલી ન ચડાવતાં એમની જોડે ખેંચવો છે સેલ્ફી..આવનારા ને વેલકમ જનારાને ભીડકમ કહેવું છે તો તેલ ઘી દિવેલ ના દિવા યથાશક્તિ પેટાવી ને કોક ગરીબનાં ઘરનું આંગણું અજવાળવું  છે...!!
ગામ માં ચૂડેલ તરીકે ઓળખાતી પેલી વાંજણી દાયણ ને કહેવું છે કે આ માટે આટલાં બધાં છોકરા જન્માવ્યા તા ??ને પેલાં શેઠ ની વહુ દિકરો એની કિસ્મતે ગૂજરી ગયાં ને બસ એ દિવસથી તું થઇ ગઇ 'તી ચૂડેલ ??ત્યારે સણસણતો જવાબ કેમ ના આપ્યો કે જણનારી નું જ પાણી ઉતરી ગયું તું ?? વાણિયો ગામ આખાની જમીનો પડાવી હનુમાનદાદાને તેલ ચડાવે ત્યારે એક જોરથી ગદા મારવી છે એનાં માથે ને પછી કહેવું છે કે પરચો મળ્યો પરચો...આવતીકાલની ધોળી ચૌદસે અંદરનું જાડું મારવું છે ને કોઇ ના જુએ એવું મૂકી દેવું છે. માથા પરથી ઉતારેલા પાણી ની પરબ કરવી છે ...તો ખાધા ખોરાકી વહેંચી દેવા છે પેલાં ભૂખ્યા છોકરાઓમાં.

છત્તી ઢીંગલી લટકાવી કરવું છે સપનાંને વેલકમ -એકાંતને કહેવું છે ઘર બ્હાર નીકળ ને જીવવા દે મનગમતી પળ.ખાલીખમ ખિસ્સામાં ભરી દો ખન ખણીયા કહેવું છે દાનેશ્વરી શનિ ને...પારકા નું લઇ લે પણ પોતાનું દઇ દે કહેવું છે પનોતી દેવને..આવતીકાલે ઉજવવી છે ધોળી ચૌદસ લૂછી ને આંસુ દુઃખીયાના.પોઝેટિવિટીનું પાવરહાઉસ બનો એવી દિલી શુભેચ્છા સાથે હેપ્પી ધોળી ચૌદસ 

No comments:

Post a Comment