Tuesday, November 13, 2018

અેની સાથે જીવવાની મજા આવી...!!

પહેલાં તો પાદર સુધી અતિથિને વળાવવાં જવાની પ્રથા હતી .સમયાંતરે અે અત્યારે આવનારની ગાડી સુધી કે ઘરનાં ઝાંપા સુધી ને બહારગામથી આવ્યાં હોય તો રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડ લગી વિસ્તરી છે .વ્હોટસ અેપનાં યુગમાં કદાચ અજુકતુ લાગે પણ શાંત ચિત્તે અે બાબતનું મનન કરતાં મને અેવી પ્રતિતિ થાય છે કે...અતિથિ અે મનનાં આનંદનો દિવો પ્રગટાવતાં હતાં .ઘણાં લાંબા સમયબાદ થોડો સમય વિતાવવાનો સુયોગ જવલ્લેજ પ્રાપ્ત થતો.સુખ દુ:ખની વાતો થતી.વાળુ કે શિરામણ થતાં.અેમાં દિવસ કે રાત આખી પસાર થતી.અંતે વસમી વિદાયની વેળા આવતાં સમયચક્રનાં પૈંડા વિયોગ તરફ ધસતાં.આજે મળ્યા તે ક્યારે મળીશું નો જવાબ અસમંજસ જન્માવતો.ફરી મળ્યા નાં કોલે ને ક્યારે પાછાં મળશું? ના સમયને વિતાવવાની વેળા અે જન્મ આપ્યો હશે વળાવવાની સ્થિતિનો..ગામનાં પાદર લગી ને પાદરે  ઉભેલાં વડનાં શિરે મહેમાન જયાં સુધી દેખાવાનાં બંધ ન થાય ત્યાં લગી... આંખે હાથનું નેજવું કરી દૂર સુદૂર જતાં જોવાની ને પછી  પાછા ઘર તરફ અેકલાં ફરવાની ઘટના.આવ્યા થી માંડી ને ગયાં સુધી નાં સંભારણાંને પછી આવ્યાં હતાં ની વાતો વાગોળવાનાં દિવસો।.. અત્યારે હાથવગાં નથી રહ્યાં ત્યારે અેક મિત્રઅે વણૅવેલ પ્રસંગથી મારી વાત પૂરી કરું ...
અમારા અેક કાકા હતાં .સાંજે અેમને અંતિમયાત્રામાં વળાવવાં ગયો હતો.અમે મિત્રો અેમનાં સંબંધીઓ સૌ હતાં .ઘરમાંથી અેમને કાઢ્યાં .કલ્પાંત તો ક્યાંક ડુસકાઅોમાં ચાલતી રામધૂન હતી..ઘરેથી નનામી નિકળી ..બધાં જોડે હું પણ જોડાયો..કાકી બધી સ્ત્રીઓ સાથે ગલીનાં નાકા સુધી આવ્યા ..શબવાહિનીમાં કાકા ગોઠવાયાં ..બીજા બધાં પોતપોતાની રીતે સ્મશાન તરફ નિકળ્યા..શબવાહિની નિકળી અેટલે હું કાકી પાસે ગયો.કાકી સજળ નેત્રે મને જોઇ રહ્યાં ...હું સ્વસ્થ થયો.કાકીને ભેટી પડ્યો ...અેમણે છોડી મૂક્યું ...મેં કાકી ને પૂછ્યું ..હું કાકાને મૂકવા જવું છું ...તમારે છેલ્લે અેમને કશું કહેવું છે??...કાકીઅે મને કાન માં કહ્યું અેને કહેજે કે અેની સાથે જીવવાની મજા આવી...!!

6 comments:

  1. Wah brij nice one. મજા આવી...

    ReplyDelete
  2. વાહ બ્રિજ ,ખુબ સાચી ને સારી વાત.

    ReplyDelete
  3. આ મારો પણ અનુભવ છે
    ધન્યવાદ!

    પૈંડા વિયોગ તરફ ધસતાં...
    વાહ! શું ‘પૈંડા’ પાડ્યા!

    ReplyDelete
  4. સાવ સાચિ વાત

    ReplyDelete